સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

કપાસનો મોલ સુકાવા લાગ્યોઃ માઠા વરસના અમંગળ એંધાણ

મોસમના મહત્વના દિવસો કોરાધાકોડ જતા સોળઆની વરસની આશા પર પાણી ફરી વળ્યુઃ ઘણા વિસ્તારોમાં વાવણી નિષ્ફળ જવાની ભીતિઃ કેટલાય ગામોમાં તો વાવણી થઈ જ નથીઃ મગફળીનું વાવેતર પણ પાણી ઝંખે છે

રાજકોટ, તા. ૧૨ :. સૌરાષ્ટ્રમાં વરસાદ માટે ધોરી ગણાતો અષાઢ મહિનો  શરૂ થઈ ગયા છતા વરસાદના એંધાણ ન દેખાતા લોકોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં ચિંતાની લાગણી વધતી જાય છે. મોસમ માટે મહત્વના દિવસો વરસાદ વગરના પસાર થઈ જતા સોળઆની વરસની આશા પર પાણી ફરી વળ્યુ છે. કપાસનો મોલ બગડવાની શરૂઆત થઈ ચૂકયાના વાવડ છે. મગફળીનું વાવેતર પણ વરસાદ ઝંખે છે. માઠા વરસના અમંગળ એંધાણ વર્તાઈ રહ્યા છે. જો કે હજુ બે-ચાર દિવસમાં ધોધમાર વરસાદ થઈ જાય તો ચિત્ર ઘણુ ફરી શકે તેવુ જાણકારોનું કહેવુ છે.

સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર થાય છે. સામાન્ય રીતે ૧૫ જૂનથી ૧૫ જુલાઈ વચ્ચે ખેતી માટે ફાયદારૂપ વરસાદ વરસી જતો હોય છે. આ વખતે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ખેતી લાયક વરસાદ વરસ્યો નથી. કેટલાક ગામોમાં તો હજુ વાવણી જ થઈ નથી. જ્યાં વાવણી થઈ ગઈ છે ત્યાં જરૂરી વરસાદના અભાવે વાવેતર પર વિપરીત અસર પડવા લાગી છે. ખેડૂત વર્તુળો એવુ જણાવે છે કે પવનના કારણે કપાસના છોડને નુકશાન થાય છે. ઘણા વિસ્તારોમાં કપાસ સુકાવા માંડયો છે. હવે થોડા દિવસ વરસાદ નહિ આવે તો કપાસના પાકને મોટુ નુકશાન થઈ જશે. મગફળીના વાવેતરની સ્થિતિ કપાસની દ્રષ્ટિએ સારી છે છતા તેના પર પણ વરસાદની જરૂર તો છે જ.

ખેતી પર સમગ્ર બજારની ચમકનો આધાર છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગે ૧૨ થી ૧૪ આની વરસ થતુ હોય છે. આ વખતે હજુ સુધી સંતોષકારક વરસાદ ન થતા ખેતીની દ્રષ્ટિએ બાર આની વરસ થવા સામે પણ પ્રશ્નાર્થ લાગી ગયો છે. ખેડૂતો અત્યારે તો રોજ પાછી ઠેલાતી જતી વરસાદની આગાહીઓના આધારે આશ્વાસન લઈ રહ્યા છે. આગાહી વરસે છે પણ વરસાદ ઉડી ગયો છે.

(11:46 am IST)