સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

ખેતી સાથે પશુપાલન કરી માળીલાના ગીરીશભાઇ એ મબલક કમાણી કરી

નાનકડા ગામમાં આદર્શ જીવન જીવી રહ્યા છે

અમરેલી તા.૧૨ : ગ્રામ્ય રોજગારી અને પૂરક આવક મેળવવા માટે ખેતી સાથે પશુપાલન અગત્યનું યોગદાન આપે છે. ખેડૂતની આવક બમણી થાય તેવા લક્ષ્યાંક સાથે રાજય સરકાર દ્વારા કૃષિની સાથે સાથે પશુપાલન માટે પણ અનેકવિધ યોજનાઓ અમલી છે. પશુપાલનએ ગામડાઓમાં ખેતીનો પૂરક વ્યવસાય છે. નાના અને સીમાંત ખેડૂતો માટે આજીવીકા વધારવાના મુખ્યસ્ત્રોત્ર તરીકે પશુપાલન શ્રેષ્ઠ વિકલ્પ છે.

માળીલા એ અમરેલીથી ચલાલા જતા રસ્તા પરનું ખારા પાટ વિસ્તારનું એક સમૃદ્ઘ ગામ. થોડા સમય પહેલા આ જ ગામના આત્મા પ્રોજેકટમાં જોડાયેલા ગીરીશભાઇ વાળા ખેતી સાથે પશુપાલન દ્વારા વાર્ષિક અંદાજે ૨ થી ૩ લાખ મેળવે છે. આંગણે ૮ જાફરાબાદી ભેંસો સહિત કુલ ૧૩ જેટલું પશુધન ધરાવતા પશુપાલક મિત્ર ગીરીશભાઈ પોતાના ગામમાં એક આદર્શ જીવન જીવે છે. છેલ્લા બે વર્ષોમાં રાજય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત એમણે ખેતી અને પશુપાલન માટે સબસીડી અને લોન મેળવી હતી. ત્યારબાદ એમણે એમની કોઠાસૂઝ અને કઠિન પરિશ્રમ વડે પોતાની જીવનશૈલી જ બદલી નાખી છે. વર્ષો પહેલા પીટીસી કર્યા બાદ ગીરીશભાઈને શિક્ષક તરીકે નોકરી પણ મળી હતી પણ ગામડાનું જીવન જીવવા માટે એમણે નોકરી સ્વીકારી ન હતી. આ પ્રસંગ વાગોળતા એમણે કહ્યું હતું કે શહેરીકરણ પ્રત્યે મને ખુબ જ અણગમો છે. આપણા ગામડાઓની સંસ્કૃતિ જાળવવા માટે હું વર્ષોથી આ દિશામાં સૌને પ્રેરણા પણ આપું છું.

પોતાના પશુપાલન વ્યવસાય વિશે વાત કરતાં ગીરીશભાઈ કહે છે કે, નવીન કૃષિ ટઙ્ખકનોલોજી દ્વારા ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા બે વર્ષ પહેલા હું આત્મા પ્રોજેકટમાં જોડાયો હતો. જયાં પ્રવાસ અને ક્ષેત્રિય મુલાકાતો દરમ્યાન ખેતીની સાથે પશુપાલન કરતાં ખેડૂતોના અનુભવો સાંભળ્યા બાદ આત્મા પ્રોજેકટ થકી પશુપાલન અંગે માહિતી, માર્ગદર્શન તથા તાલીમ મેળવ્યા બાદ ભેંસોની ખરીદીમાં વધારો કરી ખેતી સાથે દૂધ ઉત્પાદન દ્વારા વધારાની આવક મેળવી હતી.

(11:40 am IST)