સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

નાનકડા હડાળા ગામના યુવાન મલયની મોટી સિધ્ધી : ટીડીઓ પરીક્ષા પાસ કરી લાખો ઉમેદવારોમાં ઝળહળી ઉઠી ગૌરવ વધાર્યુ

GPSCપરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ૭૨ માં ક્રમાંકે આવી વડીયા તાલુકાના હડાળા ગામના યુવાને તાલુકા વિકાસ અધિકારી (ટી.ડી.ઓ.) ની પરીક્ષા ઉચ્ચ ક્રમાંકે પાસ કરી.ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જી.પી.એસ.સી. દ્વારા હાલમાં લેવાયેલી પરીક્ષામાં વડીયા તાલુકાના હડાળા ગામના મલય મધુસૂદન ભૂવાએ સમગ્ર ગુજરાતમાં ૭૬ મા ક્રમાંકે તાલુકા વિકાસ અધિકારી (ટી.ડી.ઓ.) સંવર્ગમાં સફળતાપૂર્વક ઉત્તર્ણ થઈ નાની વયમાં અધિકારી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

  જી.પી.એસ.સી. દ્વારા વર્ગ-૧ ની 75 અને વર્ગ-૨ની 219 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં 2.99 લાખ ઉમેદવારોએ અરજી કરેલ હતી જેમાંથી 294 ઉમેદવારોનું ફાઈનલ સીલેકશન થયું હતું

    નાજાપુર પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષક દંપતી કંચનબેન તથા મધુસૂદન ભૂવાનો પુત્ર મલય નાજાપુર સરકારી પ્રાથમિક શાળામાં જ ધોરણ સાત સુધી અભ્યાસ કરેલ છે. ધોરણ 8 થી 12 સ્વામિનારાયણ ગુરુકુળઙ્ગ રાજકોટ ખાતે અભ્યાસ કરેલ છે. ત્યારબાદ ગ્રેજયુએશન મિકેનિકલ એન્જિનિયરિંગ સાલ એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદમાં પુરુ કરેલ છે. અને તેઓ છેલ્લા બે વર્ષ થયા નડિયાદ મુકામે કલેકટર ઓફિસ ખાતે ડેપ્યુટી મામલતદાર તરીકે નોકરી કરે છે.

      હડાળા ફ્રેન્ડઝ યુવા ગ્રૃપ તેમજ સરસ્વતી વંદના ગૃપ હડાળાએ તેમની આ સફળતાને બિરદાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.આ તકે મલય ભુવાના પિતા મધુસૂદન ભૂવાએ હડાળા ખાતે અંતિમ ધામમાં 10 વૃક્ષો ટ્રી ગાર્ડ સાથે વાવી પોતાની ખુશી વ્યકત કરી હતી.

મલય ભુવાએ તાલુકા વિકાસ અધિકારી તરીકે પસંદગી મેળવી હડાળા , નાજાપુર તેમજ સમગ્ર અમરેલી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.

(11:38 am IST)