સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

ગુરૂ પૂર્ણિમાની મધ્ય રાત્રીએ વર્ષનું સૌથી મોટુ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ

કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર દ્વારા તખ્તેશ્વર મંદિર ખાતે રાત્રીના ૧૨ કલાકથી સવારના ૬ કલાક સુધી ટેલીસ્કોપની નજરે જોવાની વ્યવસ્થા

ભાવનગર, તા.૧૨: ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા સંવર્ધિત કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર દ્વારા પ્રેરિત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા ખગોળ વિજ્ઞાનને સમાજ ઉપયોગી બનાવી તેના પ્રત્યે લોક જાગૃતતા લાવવા હેતુ છેલ્લા ૧૭વર્ષથી વિવિધ અદભુત ખગોળીય ઘટનાને ટેલીસ્કોપની મદદથી લોકોને દેખાડવાના કાર્યક્રમો કરવામાં આવે છે.

અવકાશમાં રોજે રોજ બનતી અનેક અવકાશીય ઘટનાઓ કોઈને કોઈ રીતે દરેકને પોતાના તરફ આકર્ષતી રહી છે. આ દ્યટનાઓ પૈકીની મોટા ભાગની દ્યટનાઓ નરી આંખે નિહાળવી એ એક અદભુત લહાવો છે. આ દરેક દ્યટના પાછળ રહેલું ખગોળ વિજ્ઞાન સતત આપણને પ્રેરતું રહ્યું છે. ભાવનગરના ખુબજ જાણીતા ખગોળ શાસ્ત્રી અને ભાવનગરના ખગોળપ્રેમીઓ માટે અવિરત વહેતા ખગોળ વિજ્ઞાનના જ્ઞાનનો પ્રકાશ એટલે સ્વ.પ્રો. સુભાષભાઈ મહેતા. જેઓ આકાશમાં બનતી ખગોળીય દ્યટનાઓને ધર્મ સાથે જોડાયેલ માન્યતાઓ તથા તેની પાછળનું વિજ્ઞાન આપણને નિરંતર પીરસતા રહ્યા છે. આજે એ આપણી વચ્ચે નથી, પણ એમના જ્ઞાનના પ્રકાશને સતત વહેતો રાખવાના હેતુથી કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર સત્તત પ્રયત્નશીલ રહ્યું છે.

ભારતભારમાં દેખાનાર આ વર્ષનું સૌથી મોટું ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો ભવ્ય નજારો લોકભોગ્ય બનાવવા માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા સંચાલિત ભાવનગર એસ્ટ્રોનોમી કલબ દ્વારા તા.૧૬ જુલાઈ,૨૦૧૯ને ગુરુ પૂર્ણિમાના દિવસે મધ્ય રાત્રિએ ૧૨:૧૩ કલાકથી સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી તખ્તેશ્વર મહાદેવના મંદિર ખાતે ભાવનગરના બીજા નંબરના સૌથી મોટા ટેલીસ્કોપ 'સુભાષ -૧૨'અને ત્રણ ગેલેલીયન ટેલીસ્કોપ વડે ભાવેણાની ખગોળપ્રેમી જનતા માટે ટેલિસ્કોપ દ્વારા આ ગ્રહણનું નિદર્શન કરાવવામાં આવશે. તથા સ્વ. પ્રો.સુભાષભાઈ મહેતાની જ્ઞાન વિચાર શ્રેણી મુજબ ગ્રહણ સાથે રહેલી માન્યતાઓ, શ્રદ્ઘાઓ અને અંધશ્રદ્ઘાઓ વિષે સચિત્ર વૈજ્ઞાનિક સમજુતી લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના કોઓર્ડિનેટર શ્રી હર્ષદભાઈ જોષી દ્વારા આપવામાં આવશે.

વર્ષના સૌથી મોટા ગ્રહણને નિહાળવા માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા ભાવનગર જીલ્લા તથા શહેરની તમામ ખગોળપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.

(11:28 am IST)