સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

૨૦મીએ નરેન્દ્રભાઇ જુનાગઢમાં જાહેરસભા સંબોધશે

કૃષિ યુનિવર્સિટીમાં સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજ સ્થિત નવા બિલ્ડીંગનું લોકાર્પણ : કોર્પોરેશનના ૩૯ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત - લોકાર્પણ

જૂનાગઢ તા.૧૨ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૨૦મી જુલાઇ ૨૦૧૮ના રોજ જૂનાગઢના પ્રવાસે આવશે. વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ તા.૨૦-૮-૨૦૧૮ના રોજ જૂનાગઢ ખાતે બપોરે ૨-૩૦ કલાકેથી બપોરના ૩-૩૦ કલાક એક સુધી ચાલશે. જેમાં કૃષિ યુનિ. ખાતે જાહેરસભા અને વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.મેડીકલ કોલેજ ખાતે બનાવવામાં આવેલ સિવિલ હોસ્પિટલ બ્લોકનું લોકાર્પણ કૃષિ યુનિ.ના સ્ટેજ કાર્યક્રમ ખાતેથી કરવામાં આવશે.

આ ઉપરાંત વડાપ્રધાનશ્રી જૂનાગઢ કૃષિ યુનિ.ખાતે વિકાસના નવા પ્રકલ્પોનું લોકાર્પણ પણ કરશે. જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા વિકાસના રૂ.૩૯ કરોડના કામો હાથ ધરવામાં આવ્યા છે તેમાંના કેટલાક કામો પુર્ણ પણ થઇ ગયા છે આ કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વડાપ્રધાનશ્રી કરશે.

શ્રી નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા બાદ બીજી વખત જૂનાગઢ આવી રહયા છીએ.છેલ્લે ડીસેમ્બર ૨૦૧૭માં વિધાનસભાની ચુંટણી વખતે જૂનાગઢ આવ્યા હતા.

જૂનાગઢમાં આગામી તા.૨૦મી જુલાઇના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પધારી રહયા છે. કલેકટર ડો. સૌરભ પારધીએ આજે કલેકટર કચેરી ખાતે જિલ્લાના દરેક વિભાગના અધિકારીઓ  સાથે યોજી વડાપ્રધાનશ્રીના કાર્યક્રમના આયોજન માટે પ્રોટોકોલ મુજબની તેમજ લોકોની બેઠક વ્યવસ્થા તેમજ સ્ટેજ અને મંડપ ઉપરાંત પાર્કીંગ વ્યવસ્થા સહિતની કામગીરી માટે વિવિધ સમિતિ બનાવવામાં આવી હોવાનું જણાવી દરેક સમિતિના સભ્યોને કરવાની થતી કામગીરી અંગે ઝીણવટભર્યું માર્ગદર્શન આપ્યું હતું.

કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે ટીમ જૂનાગઢ દ્વારા  વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ માટે સંકલનથી કામગીરી થઇ રહી છે. અધિકારીઓ દ્વારા થઇ રહેલી તૈયારીઓ અંગે સંતોષ વ્યકત કરી અગાઉથી દરેક મુદાની સમિતિઓ ચર્ચા કરી આયોજન કરી જરુર પડયે ત્યા કોર કમિટીનું માર્ગદર્શન માંગવા જણાવ્યું હતું. વડાપ્રધાનના કાર્યક્રમના પગલે કચેરીઓમાં ફરજ પરના કર્મચારીઓ અને અધિકારીઓએ જે તે સમિતિને થયેલી કામગીરી અંગે રિપોર્ટ કરવા પણ સુચના આપી હતી.

કૃષિ યુનિ. ખાતે કાર્યક્રમમાં લોકો સહભાગી બને અને તેના માટે વિવિધ વ્યવસ્થા જળવાય તે માટે  પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. વડાપ્રધાનની સાથે દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ આવશે. તે અંગે પણ જરૂરી વ્યવસ્થા જળવાય રહે તેમજ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને મંત્રીશ્રીઓ પણ પધારશે. જે અંગે જરૂરી પ્રોટોકોલ મુજબ કામગીરી કરવા જણાવ્યું હતું.(૨૧.૨૦)

(2:47 pm IST)