સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

પાટડીના ધામામાં ૧૭ વર્ષની સોનલની ગળુ કાપી હત્યા

ઠાકોર પરિવારની સગીરા પોતાની માતા કંકુ સાથે જેના ઘરે કામ કરવા જતી તે ફરસાણના ધંધાર્થી ઉમંગ ઠક્કરના ઘરમાંથી જ લાશ મળીઃ ઉમંગ લાપતાઃ સોનલની માતાની પુછતાછ કરતી પોલીસ : આડાસંબંધમાં આડખીલી બન્યાની ચર્ચા

વઢવાણ તા. ૧ર :.. પાટડી તાલુકાના ધામા ગામે એક ૧૭ વર્ષની સગીરાનું ગળુ કપાયેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી છે.આ યુવતીની લાશ ગામના જ એક શખ્સના મકાનમાંથી મળી આવતા ઝીઝૂવાડા પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે લઇ જઇ હત્યાના ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરાને પેટના ભાગે છરીના પાંચ ઘા અને ગળુ પાંચથી છ ઇંચ સુધી છરીથી રહેસીને ક્રુર રીતે હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પાટડી તાલુકાના ધામા ગામે રહી મંજૂરી કામ કરી પેટીયુ રળતા ખોડાભાઇ મોરૂભાઇ ઠાકોરની ૧૭ વર્ષની દિકરી સોનલબેનની  લાશ ગળુ કપાયેલી હાલતમાં અને પેટમાં છરીના ઘા મારી આંતરડા બહાર કાઢી દીધેલી હાલતમાં ધામા ફતેપુરના માર્ગ રહેતા ઉમંગ લલિતભાઇ ઠક્કરના મકાનમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

આ ઘટનાની જાણ થતા ઝીઝૂવાડા પી. એસ. આઇ. એમ. ડી. જાડેજા અને દાનાભાઇ સહિતના પોલીસ સ્ટાફે ધામ ગામે દોડી જઇ લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી દવાખાને મોકલી આપી હત્યાનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી બાજૂ લલિતભાઇ ઠક્કર કે જેના ઘરમાંથી યુવતિની લાશ મળી આવી એ ઘરમાં રહેતાં ઉમંગ લલીતભાઇ ઠક્કર પણ ઘેર મળી ના આવતા પોલીસે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ ઝીઝૂવાડા પીએસઆઇ એમ. ડી. જાડેજા ચલાવી રહ્યા છે.

ધામામાં ૧૭ વર્ષની યુવતીને ગળુ કપાયેલી અને પેટમાં ઇજાના નિશાન સાથે લાશ મળી આવ્યા બાદ પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી દવાખાને લઇ જવાયા બાદ અને રાજકોટ પેનલ ડોકટર પાસે પોસ્ટ મોર્ટમ માટે લઇ જવાયા હતાં.

હત્યાનો ભોગ બનેલી સોનલ બે ભાઇની એકની એક નાની બહેન હતી. તેના પિતા ખોડાભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. સોનલ તેની માતા કંકુબેનની સાથે ગામમાં જ કંદોઇની (ફરસાણની) દૂકાન ધરાવતાં ઉમંગ ઠક્કરના ઘરે ઘરકામ કરવા જતી હતી. ઉમંગના ઘરમાંથી જ તેની હત્યા કરાયેલી લાશ મળતાં અને ઉમંગ ગાયબ થઇ જતાં તેમજ સોનલની માતા કંકુની ત્યાં જ હાજરી હોઇ પોલીસે હાલ કંકુબેનની પુછતાછ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. આડાસંબંધમાં આડખીલીરૂપ બનતાં હત્યા થયાની ચર્ચા જાગી છે. જો કે પોલીસે હજુ સ્પષ્ટ કારણ આપ્યું નથી. ઉમંગ હાથમાં આવ્યે ચોંકાવનારી વિગતો ખુલે તેવી શકયતા છે.

(12:49 pm IST)