સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

જસદણની પેટાચૂંટણી માટે ચૂંટણી પંચને સવા કરોડનો ખર્ચ થશેઃ કરોડોનો રાજકીય ખર્ચ જુદોઃ કુંવરજીભાઈ 'નિમિત' માત્ર

ચૂંટણી નોરતાથી દિવાળી વચ્ચે યોજાવાની ધારણાઃ ૧૨૦૦થી વધુ કર્મચારીઓ ફરજ પર

રાજકોટ, તા. ૧૨ :. કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાના પક્ષપલ્ટા અને ધારાસભ્ય પદેથી રાજીનામાના કારણે જસદણમાં આવતા ૬ માસમાં પેટાચૂંટણી નિશ્ચિત બની છે. જુલાઈ-ઓગષ્ટમાં ચોમાસાનો સમય હોવાથી સામાન્ય રીતે ચૂંટણી થતી નથી તેથી સપ્ટેમ્બર કે ઓકટોબરમાં પેટાચૂંટણી આવવાની ધારણા છે. ચૂંટણી પંચને એક પેટાચૂંટણી પાછળ સવા કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. સુરક્ષાનો ખર્ચ, નેતાઓના પ્રવાસ, ઉમેદવારોનો પ્રચાર વગેરે ખર્ચ અલગ થાય છે. પ્રત્યેક ઉમેદવારને રૂ. ૨૮ લાખ સુધીનો ખર્ચ કરવાની છૂટ હોય છે પરંતુ ચૂંટણીમાં વાસ્તવિક ખર્ચ કેટલો થાય છે ? તે સૌ જાણે છે. ચૂંટણીના જંગી ખર્ચ માટે કુંવરજીભાઈ 'નિમિત' માત્ર બનશે.

ડીસેમ્બર ૨૦૦૦ની ધારાસભાની ચૂંટણીમાં ૧૮૨ બેઠકો માટે ચૂંટણી પંચને જે ખર્ચ થયેલ તેનો સરાસરી ખર્ચ બેઠક દીઠ ખર્ચ ધ્યાને લેતા જસદણમાં ચૂંટણી પંચને રૂ. સવા કરોડ જેટલો ખર્ચ થવાની ધારણા છે. એક બુથમાં ચૂંટણી પંચને રૂ. ૪૫ થી ૫૦ હજાર ખર્ચ આવે છે. જસદણ મતક્ષેત્રમાં ૨૭૦ જેટલા બુથ છે.

એક મતદાન મથકદીઠ સરેરાશ પાંચ કર્મચારીઓ ફરજ પર હોય છે તે જોતા ૧૨૦૦થી વધુ કર્મચારીઓને ફરજ સોંપવી પડશે. ચૂંટણીના કાર્યમાં કર્મચારીઓ રોકાશે તેટલો સમય તેની મુળ કામગીરી એક બાજુ રહી જશે. જસદણની પેટાચૂંટણી મુખ્ય સ્પર્ધક ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ હોવાથી સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચાશે. ચૂંટણી માટે કર્મચારીઓ અને કાર્યકરોનો કિંમતી સમય વપરાયા પછી અને કરોડોના ખર્ચ પછી પ્રજાને શું ફાયદો થશે ? તે તો સમય જ બતાવશે. અત્યારે તો અણધારી આવી પડેલી પેટાચૂંટણી માટે રાજકીય પક્ષો અને ચૂંટણી પંચે પ્રાથમિક તૈયારી શરૂ કરી દીધી છે.

(12:47 pm IST)