સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

ગારીયાધાર નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષોએ સતાધારી પક્ષને પ્રશ્નોથી ભારે ભીડવ્યા!!

ડીઝલ-લાઇટ-વાહનના ભાડાના ખર્ચના બીલોની માહિતી મંગાઇ : નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ સામાન્ય સભા ૧૦ કલાક ૪૦ મીનીટ ચાલી : બેઠકમાં પ્રમુખે મૌન જાળવ્યુ : ઉપપ્રમુખે જવાબો આપ્યા

ગારીયાધાર તા. ૧ર :.. ગારીયાધાર ન.પા. કચેરીખાતે મળેલી સામાન્ય સભામાં સત્તા પક્ષ અને કર્મીઓને વિપક્ષના જવાબો આપવા અઘરા બની ગયા હતાં. સામાન્ય સભા ગારીયાધાર ન.પા. કચેરી ખાતે ઇતિહાસમાં પહેલીવાર ૧૦  કલાક ૪૦ મીનીટ સુધી ચાલી હતી.

આ સામાન્ય સભામાં બન્ને ભાજપ-કોંગ્રેસના ૧૪-૧૪ સભ્યો હાજર રહયા હતાં. જેમાં પ્રમુખ દ્વારા રજૂ કરાયેલા ઠરાવોમાં ચર્ચાઓ થવા પામી હતી. વિપક્ષના ભાવેશભાઇ ગોરસીયા, હિંમતભાઇ માણીયા, અશોકભાઇ ભરોળીયા અને નજીરમીયા સૈયદ સહિતના સદસ્યો દ્વારા ન.પા. દ્વારા ચુકવવામાં આવેલા ૬ માસના સમયગાળાના બીલો વિશે જવાબો મંગાયા હતાં.

જેમાં છેલ્લા ૬ માસમાં ન.પા. પાણી પુરવઠાના વાહનોમાં અધધ.. ર૦ લાખના ડીઝલના ખર્ચ મુદ્ે ભારે હંગામો મચ્યો હતો, પ લાખ ૩ર હજારના સ્ટ્રીટ લાઇટના બીલો, ફોટોગ્રાફીના બીલો વગેરે બીલોના જવાબો આપવા અઘરા બન્યા હતાં.

જયારે વિપક્ષ દ્વારા ન.પા. દ્વારા ૬ માસમાં ૩ લાખ જેટલું વાહન ભાડુ ચુકવી આપવામાં આવતા જે વાહનો કોના દ્વારા ઉપયોગમાં લેવાય છે જેની વિગતો મંગાવવામાં આવી હતી. પરંતુ જે ન.પા. કર્મીઓ વિગત આપી શકયા ન હતાં. વિરોધ પક્ષ દ્વારા તમામ ઠરાવો પૈકી ડસ્ટબીનના ૧૦ લાખના બીલો અને જુના ઠરાવોને બહાલી આપવાનો સ્પષ્ટ પણે ઇન્કાર કરવામાં આવ્યો હતો.

સમગ્ર બેઠકમાં પ્રમુખ ગીતાબેન વાઘેલા, મૌન રહ્યા હતાં. તેમના પક્ષે ઉપપ્રમુખ દ્વારા જવાબો આપવામાં આવતા હતાં. નવી ગ્રાંટો અને નવા આયોજનોમાં ભાજપ-કોંગ્રેસના સદસ્યો દ્વારા માન્ય રાખવામાં આવ્યા હતાં.

બેઠક પુર્ણ થતાં ન. પા. સફાઇ કર્મીઓ  દ્વારા બેઠક હોલમાં ઘુસી પોતાના પગાર વધારાના મામલે હંગામો મચાવ્યો હતો જેમને પણ સત્તાધીશો દ્વારા તેમને હાલ મનાવી લીધા હતાં.

આ બેઠક દરમિયાન કોઇ ઘટના ન બને તે માટે  ન.પા. અધિકારી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જેમાં મહિલા પીએસઆઇ અગ્રાવત સહિતનો પોલીસ કાફલા દ્વારા બેઠક સુધી બંદોબસ્ત જાળવી રાખ્યો હતો.

(11:45 am IST)