સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

ગોંડલના ભુણાવાના સ્મશાનમાંથી બંને બાળકોના મૃતદેહ બહાર કઢાયા : ફોરેન્સીક પી.એમ. કરાવાયુ

પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે : ફેકટરીમાં પ્રદૂષણના નિયમોનો ભંગ થયો છે કે કેમ? તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ

તસ્વીરમાં બંને બાળકોના મૃતદેહ કઢાયા હતા તે નજરે પડે છે અને બંને બાળકોની ફાઇલ તસ્વીર. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

ગોંડલ તા. ૧૨ : ગોંડલ તાલુકાના ભુણાવા નજીક આવેલ ફેકટરીમાં ચાર દિવસ પહેલા બે માસૂમ બાળકોના પ્રદુષિત પાણી ભરેલા ખાડામાં પડી જવાથી થયેલ મોતની ઘટનામાં પોલીસ તંત્ર દ્વારા ભુણાવા નજીક જમીનમાં દફન કરાયેલા બંને બાળકોના મૃતદેહને બહાર કાઢી તંત્ર દ્વારા પીએમ માટે ફોરેન્સિક લેબમાં મોકલવા તજવીજ હાથ ધરાઇ હતી.પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે નજીક ભુણાવા પાસે આવેલ શ્રી પોલીમર્સ નામના કારખાનામાં ગત તા. ૬ના ૧૧ કલાકે ફેકટરીના કમ્પાઉન્ડમાં રહેલ અંદાજિત સાત ફૂટ ઊંડા પ્રદૂષિત પાણી ભરેલા ખાડામાં અભિષેક રાજેશસિંગ થાપા ઉમર વર્ષ ૪ તેમજ વર્ષા લક્ષ્મણસિંહ સોનાર ઉમર વર્ષ ૩ મૂળ બંને નેપાળી નું ડૂબી જવાથી મોત નિપજયુ હતુ. બનાવને પગલે ફેકટરી માલિકો દ્વારા ઘટનાનો ઢાંકપિછોડો કરવા ખાડામાંથી બાળકોના મૃતદેહોને કાઢી પીએમ કરાવ્યા વગર દફનવિધિ કરી નાખવામાં આવી હતી, ઉપરાંત પ્રદૂષિત પાણીના ખાડા ને બુરી દેવાયો હતો. સમગ્ર ઘટના અંગે તંત્ર બેખબર હતું ત્યારે અખબાર દ્વારા ઘટનાનો પર્દાફાશ કરાતા જિલ્લા પોલીસ વડા અંતરીપ સુદ ગોંડલ દોડી આવ્યા હતા અને તપાસના ચક્રોગતિમાન કરતા તાલુકા પી.એસ.આઇ મીઠાપરા તથા પોલીસ સ્ટાફ દ્વારા ભુણાવાના સ્મશાને દોડી જઈ બાળકોના દફનાવાયેલા મૃતદેહો બહાર કાઢી પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ ફોરેન્સિક લેબમાં પીએમ માટે મોકલી અપાયા હતા, જયાં પીએમ બાદ બંને માસૂમ બાળકોના મોતનું સત્ય બહાર આવશે.

મૃતક બાળક અભિષેકના પિતા રાજેશ થાપા છેલ્લા બે માસથી આ ફેકટરીમાં પરિવાર સાથે મજૂરી કામ કરતા હતા સંતાનમાં અભિષેક ઉપરાંત એક પુત્ર હોવાનું તથા મૃતકના પિતા લક્ષ્મણસિંહ ઇન્દ્રસિંહ સાત માસથી આ ફેકટરીમાં મજુરી કામ કરતા હતા તેમની એક માત્ર પુત્રી હતી. શ્રી પોલીમર્સ ના માલિક ભરતભાઈ દઢણીયા હોવાનું અને હાલ ફેકટરીનું સંચાલન તેમનો પુત્ર જય તથા અન્ય જયદીપ સંચાલન કરી રહ્યાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું બંને બાળકો ના પાણીમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યા બાદ તેમના મૃતદેહ બહાર કાઢી પીએમ કેમ ના કરાવ્યું અને પોલીસને જાણ ન કરાય તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે, ઉપરાંત પોલ્યુશન બોર્ડ ના નિયમ અનુસાર પ્રદૂષિત પાણીનો નિકાલ કરવાનો રહેતો હોય છે, ત્યારે ફેકટરી ના કમ્પાઉન્ડમાંજ સાત ફૂટ ઉંડો પ્રદૂષિત પાણી નો ખાડો ભરાયેલો હોય પ્રદૂષણ નિયમનો ભંગ થયો છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી પ્રદૂષણ બોર્ડની જાણ કરશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

બનાવ અંગે આર.ટી.આઈ એકિટવેટ વિક્રમસિંહ જાડેજાએ પીએમ રિપોર્ટમાં પ્રદૂષિત પાણીથી મોત નિપજયાનું બહાર આવે તો જવાબદારો સામે પગલા લેવા માંગ કરી હતી.

(11:51 am IST)