સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th June 2019

મોરબીમાં પૂ. મહંત સ્વામીના હસ્તે શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ

કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા સહિતનાની ઉપસ્થિતિ : પૂ. મહંત સ્વામીના ૭ દિવસના રોકાણ દરમિયાન પારાયણ, સત્સંગ સભા, ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો

મોરબી-રાજકોટ, તા. ૧ર : સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજય મહંતસ્વામી મહારાજે મચ્છુના તટે આવેલ મોરબીની ધરાને સૌ પ્રથમવાર પધારીને પાવન કરી છે. તેઓ તારીખ ૧૭ જૂન સોમવાર સુધી મોરબીમાં રોકાણ કરશે જે દરમ્યાન વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રેરક પ્રદર્શનો અને સત્સંગ સભા તેમજ પારાયણો યોજવામાં આવશે.

મોરબીમાં નિર્માણાધીન નુતન મંદિરનો શિલાન્યાસ વિધિ આજે પરમ પૂજય મહંતસ્વામી મહારાજ, વડીલ સદગુરુ સંતો તેમજ કર્ણાટકના ગવર્નર માનનીયશ્રી વજુભાઈ વાળા,સાંસદસભ્ય  શ્રી મોહનભાઈ કુંડારિયા,શ્રી વિનોદભાઈ ચાવડા,ધારાસભ્યો શ્રી બ્રિજેશભાઈ મેરજા,શ્રી કાંતિભાઈ અમૃતિયા,શ્રી પરસોત્ત્।મભાઈ સાબરીયા તેમજ અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં સવારે ૮ થી ૧૨ દરમ્યાન યોજાયો હતો.   

મોરબીના મુગટમણી બની રહેનારા આ મંદિરમાં સનાતન ધર્મના વૈદિક સ્વરૂપો બિરાજશે, પરંપરાગત ભારતીય શિલ્પ-સ્થાપત્ય કલાથી અલંકૃત બની રહેનારા આ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ મંદિરના પ્રેરણામૂર્તિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજય મહંતસ્વામી મહારાજના કરકમળો દ્વારા સંતો, મહાનુભાવો અને હજારો હરિભકતોની ઉપસ્થિતિમાં આજે વિ. સં. ૨૦૭૫, જેઠ સુદ દશમના પવિત્ર દિને સંપન્ન થયો. આજે સાંજથી વરિષ્ઠ સદગુરુ સંત અને વર્ષોથી પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજની સાથે વિચરણ કરનાર પૂજય વિવેકસાગર સ્વામી પારાયણમાં કથાવાર્તાનો લાભ આપશે. આ પારાયણ  બુધવાર થી રવિવાર સુધી કુલ ૫ દિવસ સાંજે ૭ૅં૩૦ થી ૮ૅં૩૦ દરમ્યાન યોજાશે.

પરમ પૂજય મહંતસ્વામી મહારાજના રોકાણ દરમ્યાન મોરબીના આંગણે યોજાનાર ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા માટે પરિવાર મિત્રમંડળ સહિત પધારવા બી.એ.પી.એસ. સત્સંગ મંડળ મોરબી વતી પૂજય બ્રહ્મતીર્થ સ્વામી, પૂજય અપૂર્વમુનિ સ્વામી, પૂજય હરિસ્મરણ સ્વામી, પૂજય મંગલપ્રકાશ સ્વામી સહિત સૌ સંતોએ મોરબીવાસીઓને આ ઉત્સવનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

મંદિર એટલે સંસ્કારધામ

  માણસ - માણસ બને છે સંસ્કારથી, માણસ શોભે છે સંસ્કારથી. સંસ્કાર નો અર્થ છે શુદ્ઘિ. ભારતીય ઋષિઓ શુદ્ઘિના ત્રણ પ્રકાર વર્ણવે છે.

૧. દૈહિક શુદ્ઘિ

૨. માનસિક શુદ્ઘિ

૩. આત્મશુદ્ઘિ

મંદિર આ ત્રિવિધ શુદ્ઘિથી માનવને સુસંસ્કૃત બનાવે છે.

પ્રથમ શુદ્ઘિ છે દૈહિક શુદ્ઘિ. મંદિરમાં પ્રવેશનાર સૌ કોઈ માટે આ શુદ્ઘિનો અત્યંત આગ્રહ સેવાયો છે. શાસ્ત્રકારો નાહી-ધોઈને અથવા હાથ-પગ-મોં ધોઈને પ્રભુદર્શન માટેનો આગ્રહ રાખે છે.

મંદિરમાં જે દેહશુદ્ઘ માણસ પ્રવેશે છે. ભાવથી નમન કરતો પ્રભુ દર્શન માટે પગથિયાં ચડે છે અને તેની માનસિક - આત્મિક શુદ્ઘિની પ્રક્રિયાનો આરંભ થઈ જાય છે.

પગરખા કાઢીને મંદિરના દ્વારે પ્રવેશતો દર્શનાર્થી સૌપ્રથમ શ્રી હનુમાનજી અને ગણપતિનાં દર્શન પામે છે. એક દેવ દ્રઢતા - આત્મબળબક્ષે છે બીજા દેવ શુભવિચારો - મંગલ કામનાઓ પ્રેરે છે. આગળ આરોહણ કરતા ભકતની નજર સામે ભગવાનનું વિશાળ મહાલય મનને ભરી દે છે. મંદિરના સ્થંભોની પંકિત, શિલ્પો, કલાત્મક કમાનો, દ્યુમ્મટ-દ્યુમ્મટીઓ, શિખરો, કળા અને ધર્મધજા - એ બધું નીરખતો ભકત ભગવાનના ચરણ તરફ ગતિ કરે છે. આ બધું એના મનની ભૂમિકા બદલી નાખે છે. દુન્યવી ઇમારતો - મકાનો કરતા એ રચના મનુષ્યને હૈયે કંઈક વિશિષ્ટ સ્પંદનો જગાવે છે. ભકતોની ચરણરજ મસ્તકે ચઢાવતો, ભકિતભાવથી ભરપૂર ભકત દેવદ્વાર આગળ આવીને પ્રભુદર્શનની જિજ્ઞાસાથી ઉભો રહે છે. નગર ગુંજી ઊઠે છે, ઝાલર રણકી ઊઠે છે, દ્યંટનાદના મધુર તરંગો વહેતા થાય છે, દ્વાર ખુલે છે, અને પ્રકાશમાન આરતીની જયોતિના અજવાળે એ ભગવાનની દિવ્ય મૂર્તિને પોતાના નયન દ્વારા હૈયે ઉતારે છે, ચિત્ત્। ભાવવિભોર બની જાય છે. પ્રભુની વરદ અભય હસ્ત મુદ્રાથી એ નિર્ભયતા પામે છે અને તન મનના તાપ શમી જાય છે, સંસાર - અગ્નિ હોલવાઈ છે અને પરમાનંદનો અનુભવ થાય છે.

પ્રાર્થના, પ્રણામ અને પ્રદક્ષિણાથી પ્રભુને વધુને વધુ સમીપ અનુભવતો ભકત મંદિરના સભાગ્રૃહમાં પ્રવેશે છે.

અહીં બ્રહ્મ-પરબ્રહ્મની સહજ સરળ વાતો હૃદય સોસરવી ઉતરી જાય છે. સંતોની આચરણપૂત એ વાતોને આચરણમાં મૂકવાનું બળ મળે છે, જીવનની અનેક સમસ્યાઓનો ઉકેલ મળે છે, વિકટ પ્રશ્નો સામે ઝઝૂમવાની દિવ્ય તાકાત મળે છે, જીવનને સમજવાની નવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, ભકિતની સાચી રીતનું ભાન થાય છે.

મનનો આત્માનો મેલ ધોવાયાના અનુભવ સાથે મુમુક્ષુ જયારે મંદિરના દિવ્ય વાતાવરણમાંથી બહાર આવે છે ત્યારે એના મન-આત્મા નિર્મળતાની શુદ્ઘિના પરમ અનુભવથી હર્યાભર્યા બની ચુકયા હોય છે. ભકિતના નવતર આનંદથી એ પલ્લવિત થઈ રહ્યા હોય છે.

આ છે મંદિર. જે માત્ર ઈટ-પથ્થરની ઈમારત નહીં, માત્ર સ્થાપત્ય જ નહીં પરંતુ મનુષ્યને નિર્મળ કરતુ, પરિશુદ્ઘ કરતુ એક વિશિષ્ટ સંસ્કારધામ. મનુષ્યની જડતાને દૂર કરતું અને એમાં દિવ્ય ચૈતન્ય પ્રેરતું ચૈતન્ય ધામ.

(1:21 pm IST)