સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th June 2019

બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સંસ્થા મહંતસ્વામી મહારાજનું મોરબીમાં સામૈયું: મંદિરનો શિલાન્યાસઃ ૧૭મી સુધી કાર્યક્રમો

મોરબી, તા.૧૨: બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજય મહંતસ્વામી મહારાજે મચ્છુના તટે આવેલ મોરબીની ધરાનેસૌ પ્રથમવાર પધારીને પાવન કરી છે. તેઓ તારીખ ૧૧ જૂન મંગળવારથી ૧૭ જૂન સોમવાર સુધી કુલ ૭ દિવસ મોરબીમાં રોકાણ કરશે જે દરમ્યાન વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રેરક પ્રદર્શનો અને સત્સંગ સભા તેમજ પારાયણો યોજવામાં આવશે.

 રાજકોટનું શિરમોર સમું કાલાવડ રોડ પર શોભતું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર જે ગુલાબી પથ્થરથી બનેલું છે, તેવું જ ગુલાબી પથ્થરનું નયનરમ્ય અને હૃદયગમ્ય બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર મોરબી શહેરમાં પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજના શુભ સંકલ્પ અને પરમ પૂજય મહંતસ્વામી મહારાજની દિવ્ય આત્મીયતાથી આકાર લેવા જઈ રહ્યું છે જેનો આજે ૧૨ જૂને શિલાન્યાસ વિધિ પરમ પૂજય મહંતસ્વામી મહારાજ, વડીલ સદગુરુ સંતો તેમજ કર્ણાટકના ગવર્નર માનનીયશ્રી વજુભાઈ વાળા તેમજ અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં સવારે ૮ થી ૧૨ દરમ્યાન યોજાશે.

મોરબીના મુગટમણી બની રહેનારા આ મંદિરમાં સનાતન ધર્મના વૈદિક સ્વરૂપો બિરાજશે, પરંપરાગત ભારતીય શિલ્પ-સ્થાપત્ય કલાથી અલંકૃત બની રહેનારા આ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ મંદિરના પ્રેરણામૂર્તિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજય મહંતસ્વામી મહારાજના કરકમળો દ્વારા સંતો, મહાનુભાવો અને હજારો હરિભકતોની ઉપસ્થિતિમાં આજે વિ. સં. ૨૦૭૫, જેઠ સુદ દશમના પવિત્ર દિને સંપન્ન થશે. આજે સાંજથી વરિષ્ઠ સદગુરુ સંત અને વર્ષોથી પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજની સાથે વિચરણ કરનાર પૂજય વિવેકસાગર સ્વામી શનિવાર સુધી પારાયણમાં સાંજે ૭:ૅ૩૦ થી ૯ દરમ્યાન કથાવાર્તાનો લાભ આપશે.ઙ્ગ

 પરમ પૂજય મહંતસ્વામી મહારાજના રોકાણ દરમ્યાન મોરબીના આંગણે યોજાનાર ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા તેમજ શિલાન્યાસ મહોત્સવના ઐતિહાસિક અવસરનો લાભ લેવા માટે પરિવાર મિત્રમંડળ સહિત પધારવા બી.એ.પી.એસ. સત્સંગ મંડળ મોરબી વતી પૂજય બ્રહ્મતીર્થ સ્વામી, પૂજય અપૂર્વમુનિ સ્વામી, પૂજય હરિસ્મરણ સ્વામી, પૂજય મંગલપ્રકાશ સ્વામી સહિત સૌ સંતોએ મોરબીવાસીઓને અંતરનું આમંત્રણ પાઠવ્યું છે.

(1:20 pm IST)