સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી : સંસ્થાકીય કોવિડ કેર સેન્ટર બંધ થવા લાગ્યા

મોરબી સિવિલ હોસ્પિટલમાં પણ એક કોરોના વોર્ડ બંધ કરાયો

મોરબી : એપ્રિલ મહિનામાં મોરબી શહેર અને જિલ્લામાં કોરોના કાળ બનીને ત્રાટક્યા બાદ મે માસની શરૂઆતથી કોરોના કૂણો પડતા હવે એક સમયે હાઉસફુલ રહેતા સંસ્થાકીય અને વિવિધ જ્ઞાતિ સંચાલિત કોવિડ કેર સેન્ટર બંધ થવા લાગ્યા છે. છેલ્લા ચારેક દિવસમાં જ અંદાજે 605 બેડની સુવિધા ધરાવતા આવા પાંચ કોવિડ કેર સેન્ટરની સાથે સાથે મોરબી સિવિલ હોસ્પિટલનો એક વોર્ડ પણ કોરોના દર્દીઓની સંખ્યા ઘટતા બંધ કરી દેવાયો છે.
  એપ્રિલ  મહિનામાં પ્રથમ અઠવાડિયાથી જ મોરબી શહેર અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કોરોને તરખાટ મચાવતા ખાનગી અને સિવિલ હોસ્પિટલ ટૂંકી પડતા વિવિધ જ્ઞાતિઓ અને સંસ્થાઓ આગળ આવી કોવિડ કેર સેન્ટર શરૂ કરતા આ કોવિડ કેર સેન્ટર પણ એક તબક્કે હાઉસફુલ થઈ જવા પામ્યા હતા. બીજી તરફ મે માસમાં કોરોના સંક્ર્મણ ઘટતા ધીમે-ધીમે કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ઘટી જતા છેલ્લા ચારેક દિવસમાં અંદાજે 605 બેડની સુવિધા વાળા પાંચ કોરોના કેર સેન્ટર બંધ કરવામાં આવ્યા છે.
  મોરબીમાં બંધ કરવામાં આવેલ કોરોના કેર સેન્ટરની વિગતો જોઈએ તો પાટીદાર સમાજ દ્વારા દર્દીઓની સંખ્યા વધતા છાત્રાલય રોડ ઉપર શરૂ કરાયેલ 350 બેડની સુવિધા ધરાવતું કોવિડ કેર સેન્ટર, રઘુવંશી સમાજ સંચાલિત 50 બેડનું કોવિડ કેર સેન્ટર, સિમ્પોલો સીરામીક ગ્રુપ સંચાલિત 110 બેડનું કોવિડ કેર સેન્ટર, સતવારા સમાજ સંચાલિત 50 બેડનું કોવિડ કેર સેન્ટર અને બ્રહ્મસમાજ સંચાલિત 45 બેડનું કોવિડ કેર સેન્ટર કોરોના પેશન્ટ ઘટતા બંધ કરવામાં આવ્યું છે.
 અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી ચરમ સીમાએ પહોંચતા મોરબી સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટી પડવા જેવી સ્થિતિ સર્જાઈ હતી પરંતુ છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસમાં ઉતરોતર ઘટાડો નોંધાતા સિવિલ હોસ્પિટલમાં પણ એક વોર્ડ પણ બંધ કરવામાં આવ્યો છે.
મોરબી સિવિલમાં ફક્ત 100 દર્દીઓ જ સારવાર હેઠળ છે
  કોરોના કહેર ઘટતા મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. હાલમાં સિવિલમાં માત્ર 100 દર્દીઓ જ સારવારમાં છે. જેમાં 75 દર્દી ઓક્સિજન ઉપર છે અને 8 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. જયારે બાકીના 17 દર્દીઓ સામાન્ય સારવારમાં છે

(10:31 pm IST)