સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

મોરબી સિવિલ હોસ્પિટલમાં હવામાંથી ઓક્સિજન બનાવતો આધુનિક પ્લાન્ટ કાર્યરત

દર મિનિટે 100 લીટર ઓક્સિજન બનાવવાની ક્ષમતા : કોરોના મહામારીમાં સિવિલમાં સુવિધા વધી

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારીને કારણે સુવિધામાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે. જેમાં આજથી સિવિલ કમ્પાઉન્ડમાં લીકવીડ ઓક્સિજન વગર હવામાંથી ઓક્સિજન બનાવતો આધુનિક પ્લાન્ટ કાર્યરત થયો છે. જે દર મિનિટે 100 લીટર મેડિકલ ઓક્સિજન જનરેટ કરશે.
કોરોના મહામારીમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની તીવ્ર અછત ઉભી થતા રાજકોટ સહિતના શહેરોમાંથી સતત ગાડીઓ મારફતે ઓક્સિજનના સિલિન્ડર હેરફેર કરવામાં આવતા હતા અને ઓક્સીજનનના અભાવે કેટલાય દર્દીઓ મોતને ભેટ્યા હોવાનું પણ જગજાહેર છે. ત્યારે આજથી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે હવામાંથી ઓક્સિજન બનાવતો આધુનિક પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.
સિવિલ હોસ્પિટલના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ હવામાંથી ઓક્સિજન બનાવતા આ પ્લાન્ટમાં લીકવીડ ઓક્સિજનની જરૂરત રહેતી નથી. આ પ્લાન્ટમાં દર મિનિટે 100 લીટર ઓક્સિજન ઉત્પન થાય છે અને 24 કલાક દરમિયાન અંદાજે 1,44,000 લીટર એટલે કે 20 મોટી બોટલ ભરી શકાય તેવી ક્ષમતા છે

(10:30 pm IST)