સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

સાવરકુંડલા અને અમરેલીમાં સ્વાસ્થ્ય સુરક્ષા કાજે છેડાયું એક અનોખું અભિયાનઃ ભાગ કોરોના ભાગ...

(દિપક પાંધી દ્વારા)સાવરકુંડલા,તા. ૧૨: આમ તો આ કોરોના કાળમાં જયારે સમગ્ર જીવન ત્રાહિમામ પોકારી ઉઠ્યું હોય. લોકો પણ આર્થિક રીતે ઘસાઈ ગયા હોય. આવી સ્થિતિમાં વળી પાછો કોરોનાનો કાળો કહેર જિંદગી જીવન માટે તરસી રહી હોય અને મૃત્યુનો ઓથાર સમગ્ર માનવજાત માથે એક ફણીધર સાપની માફક ડંસવા માથે બેઠો હોય. લોકો પણ જાણે કીડી મકોડાં જેવી પરિસ્થિતિમાં સમય પસાર કરવા મજબૂર બન્યા હોય.. ત્યારે આરોગ્ય ક્ષેત્રે પણ હવે થોડી જાળવણી કરવી પડશે એવો સૂર પણ આ વિપરીત પરિસ્થિતિમાં ધીમાં સ્વરે ઉઠી રહ્યો છે.

લોકોને પોતાનાં સ્વાસ્થ્ય પ્રત્યે થોડું સાવધ રહેવા માટે પોતાની રોગપ્રતિકારક શકિત વધારે મજબૂત કરવી પડે એવી વેળાએ સાવરકુંડલા અને અમરેલીમાં લોકોની સ્વાસ્થ્ય સુરક્ષા માટે એક અનોખું અભિયાન છેડાયું છે.

આ સંદર્ભે તાત્કાલિક હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને India2Pay Services ના આર્થિક સહયોગ દ્વારા આ શહેરોમાં મોસંબીનું વેચાણ નુકસાની ભોગવીને કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત ગળો (ગિલોય) જેને આપણે આયુર્વેદમાં અમૃતા પણ કહીએ છીએ તેનું નિશૂલ્ક વેચાણ તથા જેની હજુ સુધી લોકોને સમજ પણ ન હતી તે પ્રાણવાયુ માપવાનું સાધન ઓકસિમીટરનું વેચાણ પણ રાહત દરે કરવામાં આવી રહ્યું છે.

આ સંદર્ભે સાવરકુંડલા મહુવા રોડ સ્થિત આવેલા રાધિકા માવા સેન્ટર મનોજ મેડિકલની બાજુની ગલીમાં દરરોજ સવારે ૧૦ થી સાંજના ૬ સુધી વેચાણ કરવામાં આવી રહ્યું છે

આ ઉપરાંત અમરેલી શહેરમાં પણ વેચાણ ચાલુ છે.આમ લોકોની ઈમ્યુનિટી સ્ટ્રોંગ કરવા માટે ઉપરોકત અભિયાન આ બંને શહેરોમા ટોક ઓફ ધ ટાઉન બની રહ્યું છે.

(12:57 pm IST)