સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

જામનગર જી.જી. હોસ્પિટલના કર્મચારીઓની હડતાલ

આઉટ સોર્સિંગ કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓ ઉકેલવા રજૂઆત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૨ : સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાતની બીજા ક્રમની જામનગરની સરકારી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના આઉટસોર્સિંગ કર્મચારીઓ પોતાની પડતર માગણીઓને લઈને આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે.

હોસ્પિટલમાં લેબ ટેકનીશીયન, એકસરે ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, ઓપરેશન થિયેટરમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ, ઇસીજી ટેકિનશયન,મેડિકલ સ્ટોર ઓપરેટર, કેસ બારી અને જુદી-જુદી સેવાઓના ડેટા એન્ટ્રી ઓપરેટર, કલાર્ક, હંગામી નર્સિંગ સ્ટાફ સહિત સેવાઓ આપતા ૩૦૦થી વધુ આઉટસોર્સિંગ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. પાંચ વર્ષ પહેલાંથી પગાર વધારા, આઉટસોર્સિંગ ને બદલે કાયમી કર્મચારી તરીકે નિમણૂક, કાયમી કર્મચારીઓને મળતા લાભ મુજબ જ લાભ આપવામાં આવે અને સમાન કામ સમાન વેતન, સમાન જોખમ અને સમાન લાયકાત આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે.

કોરોનાની મહામારી વચ્ચે અગાઉ પણ આ મુદ્દે રજૂઆત કરાઇ હતી પરંતુ કોઈ નિવેડો ન આવતાં ફરી આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ માટે આઉટસોર્સિંગ કર્મચારીઓ એ શસ્ત્ર ઉગામ્યું છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:54 pm IST)