સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

જેતપુરમાં કોરોનાથી સાડી ઉદ્યોગ ભાંગી પડયો

પરપ્રાંતીય કારીગરોની વાપસીથી મોટાભાગના કારખાનાઓ બંધઃ નિકાસ થતા રાજયોમાં લોકડાઉનથી હાલત કફોડી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧ર : વૈશ્વિક મહામારી કોરોનાથી લોકો પોતાનો જીવ ગુમાવી રહયા છે. ત્યારે ધંધા રોજગારની પરિસ્થિતિ કફોડી બની છે. શહેરમાં જીવાદોરી સમાન સાડી ઉદ્યોગ પણ હાલ કોરોનાની ઝપટમાં આવી ગયો છે. કારખાનામાં કામ કરતા કારીગરોમાં પરપ્રાંતિય કારીગરે મોટાભાગના પરપ્રાંતિઓ છે. શહેરમાં  ૧પ૦૦થી વધુ સાડી પ્રીન્ટીંગ યુનીટોમાં ૩૦ થી ૪૦ હજાર પરપ્રાંતિઓ કામ કરે છે. ગત વર્ષે લોકડાઉન થતાં આ પરપ્રાંતિયો પોતાના વતન જવા માટે હેરાન થયા હોય ઉદ્યોગકારોએ પોતાના ખર્ચે તેમના વતન મોકલે. આ વખતે પણ લોકડાઉન થઇ જશે તો તેઓ હેરાન થશે તેવું વિચારી મોટાભાગના કારીગરો તેમના વતન ગયેલ. તેથી કામ થઇ શકતુ નથી. ઉપરાંત જે રાજયોમાં શહેરની કોટન પ્રીન્ટ થઇ નિકાસ થતુ તે રાજયો બહાર ઓડીસા, કલકતા, બંગાળમાં લોકડાઉન હોય ત્યાંના વેપારી ઓર્ડર આપતા નથી. ઉપરાંત કાપડ પણ આવતુ ન હોય રપ ટકા જેટલા કારખાનામાં કામ ચાલે છે તેના કારણે નાના કારખાનેદારોને વિકટ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેમ કે કારખાનાનું ભાડુ, લોનના હપ્તા, માણસોના પગાર પણ ચુકવી શકાય તેટલું કામ ચાલતુ નથી. જો માલ છાપે તો તેનું ડેમરેજ વધે છે.

કારખાનાઓના કારણે તેની સાથે જોડાયેલ અન્ય ધંધા રોજગાર પણ ઠપ્પ થઇ ગયા છે. શહેરમાં એક માત્ર સાડી ઉદ્યોગ હોય મંદિનો માહોલ જોવા મળી રહયો છે. ડાઇંગ એસો.ના પ્રમુખ જેન્તીભાઇ રામોલીયાએ જણાવેલ કે નાના કારખાનેદારો મુશ્કેલીમાં મુકાયા છે. કારખાના ઉપર જ તેમના પરિવારનું ભરણ પોષણ ચાલતુ હોય કામ બંધ થવાથી કારીગર જેવી પરિસ્થિતિ થઇ ગઇ છે. સરકાર નાના કારખાનેદારો વિશે કંઇક યોગ્ય કરે તે જરૂરી છે.

(12:53 pm IST)