સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

જસદણ-વિંછીયા તાલુકામાં કુંવરજીભાઇ બાવળીયાની આગેવાનીમાં 'મારૂ ગામ કોરોના મુકત ગામ' અભિયાન

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૧૨: 'મારૂ ગામ કોરોના મકત ગામ' અંતર્ગત જસદણ, વિંછીયા વિસ્તારના ધારાસભ્ય અને રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ લોકોના આરોગ્ય અને સુખાકારી માટે સતત જાગૃતતા દાખવી, સતત મદદ કરતા કોરોના મહામારીમાં રોગથી પીડીત દર્દીઓએ રાહત અનુભવી છે.તાલુકાના લોકો કોરોના મહામારીના સમયમાં રોગ મુકત થાય, બિમાર દર્દીઓ સાજા થાય, સંક્રમણ ફેલાતું અટકે અને લોકોને પ્રાથમિક તબકકામાં જ સારવાર મળે અને ગંભીર પ્રકારની બિમારીમાંથી બચાવી લેવા માટે વિંછીયા, જસદણ, વિરનગર સહીતના વિસ્તારોમાં વહીવટી તંત્ર, સામાજીક સંસ્થાઓ, આગેવાનોની મદદથી કોવિડકેર સેન્ટરો શરૂ કરાવી જરૂરી દવાઓ, ઓકસીજન સહીતની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પરિવારના કોઈપણ સભ્યને તાવ, શરદી, ઉધરસ, શ્વાસ, દુખાવો, ઝાડા જેવા શંકાસ્પદ લક્ષણો જણાય તો તરત નજીકના સરકારી દવાખાનાએ જઈ નિદાન કરાવી લેવા અંગે દર્દી કે દર્દીઓના સ્વજનોને સતત માર્ગદર્શન આપી રોગમાંથી વહેલી તકે મુકિત મળે તે માટે માનસિક રીતે ભાંગી પડેલા પરિવારોને હિંમત આપી વિના મુલ્યે દવા સહીતની સુવિધાઓ માટે જસદણ, વિંછીયાના આરોગ્ય કેન્દ્રો કે આશાવકરો અગર 'કુંવરજીભાઈ બાવળીયાના કાર્યાલય' નો સંપર્ક કરવા જણાવ્યું છે.આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ તજશ્ઞો દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે ત્યારે બાળકો સહીતના લોકોમાં ગ્રામ્ય કક્ષાએ સંક્રમણ વધુ ન ફેલાય અને ૧૮ થી ૪૫ વર્ષ અને તેથી ઉપરના તમામ લોકો વેકસીન (રસી) લેવડાવે તે માટે ગ્રામજનોમાં સતત જાગૃતિ લાવવા સહીયારા પ્રયત્નની જરૂર છે, કોરોનાને કારણે સ્વજનો ગુમાવ્યા છે, તેમના આત્માને શાંતિ, મોક્ષ અર્થે સામુહિક સ્તરે ચિંતા કરી શીવરાજપુર, આંબરડી, ગોડલાધાર અને કાળાસર ગામોએ યશ કરવામાં આવ્યા હતા અને આજ પ્રકારે અન્ય ગામોમાં યજ્ઞ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.કોરોનાના કપરા સમયમાં લોકોમાં જાગૃતિ લાવવા માટે સરપંચથી માંડી દરેક લોક પ્રતિનિધિ જો આ અભિયાનમાં જોડાય અને તંત્રને સહયોગ આપશે તો સાચા અર્થમાં સરકારના અભિગમ મુજબ 'મારૃં ગામ કોરોના મુકત ગામ'' કહેવાશે.

(11:46 am IST)