સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

રાજકીય ખળભળાટ : પ્રજાની મુશ્કેલી સાચી પણ અમે લાચાર છીએ સરકારમાં બોલી નહીં શકીએ

કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખનો વીડિયો વાયરલ : કોરોનાએ સર્જેલી લાચારીમાં સરકારમાં પ્રતિનિધિત્વ કરતા કચ્છના નેતાઓએ મોઢું, તંત્રએ કાન અને સરકારે કરી આંખો બંધ, જ્યારે કાગળ ઉપર બધું સલામત !

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૧ : કચ્છમાં કોરોના મહામારીમાં સૌથી વધુ જો કોઇ ચર્ચામાં હોય તો તે છે ચુંટાયેલા પ્રતિનીધીઓ છે. ચુંટણી સમયે પ્રજા વચ્ચે રહેતા આ નેતાઓ આજે કચ્છમાં કોરોના ને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અને લોકોની લાચારી અંગે સરકારમાં રજુઆત કરવા નિસહાય હોય તેવુ સ્પષ્ટ લાગી રહ્યુ છે. હા, આ નેતાઓ સાચી વાત જાણતા હોવા છતાંયે જાહેરમાં બોલતા નથી, કબુલતા નથી. એ હકીકત છે. પણ, ઉપર સરકારમાં એ'ય એ કોઇનુ કાઇ ચાલતુ પણ નથી. કચ્છના નેતાઓ હમેશાં ગાંધીનગરમાં સાચું કહેવામાં પણ પાછીપાની કરતા હોય છે. જો કે, કચ્છના ચુટાયેલા પ્રતિનિધિઓ કેટલા નિસહાય છે, તેનો બોલતો પુરાવો આપ્યો છે જિલ્લા પંચાયત પ્રમુખના એક વાયરલ ઓડીયોએ!!!

ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામના એક યુવાન રાજેન્દ્રસિંહ જાડેજાએ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાને ફોન કરી ગામડાની સાચી સ્થિતીથી અવગત કરે છે, વેકસીન સહિતના મુદ્દે આ યુવાનની તમામ રજુઆતો સાંભળી જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન બસ એટલુ જ કહે છે, અમે સરકારમાં બેઠા છીએ કાઇ બોલી નહી શકીએ, પણ, તમારી રજૂઆતો સાચી છે.

એક તરફ રાજય સરકારે મારુ ગામ કોરોના મુકત ગામ અભિયાન શરૂ કર્યુ છે પરંતુ કચ્છમાં ગામડાઓની સાચી પરિસ્થિતિ અંગે સત્ય નિહાળવા સરકારે આંખો, સ્થાનિક નેતાઓએ મોઢું અને કચ્છના તંત્રએ કાન બંધ કરી નાખ્યા છે. હા, સમીક્ષા બેઠકો, પ્રેસનોટોમાં અને કાગળ ઉપર આંકડાઓની રમતમાં જાણે બધું જ સારું છે એવું ચિત્ર ઉપસવાય છે. પણ, પ્રજાની લાચારી વિશે સાચું જોવા કોઈ પણ તૈયાર નથી.

કચ્છની સાચી સ્થિતી અંગે વર્ણન કરતા નાગરિક રાજેન્દ્રસિંહ પ્રમુખ પારૂલબેન ને ફોન ઉપર વાત કરતાં મુખ્યમંત્રીએ ગુજરાતમાં એકપણ વ્યકિતનુ ઓકિસજનના અભાવે મોત ન થયુ હોવાના નિવેદનનો વિરોધ કરતાં કહે છે કે, જેમણે સ્વજનો ગુમાવ્યા છે તેમને સાચી હકીકત પુછો. આ સવાલના જવાબમાં જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબહેન કહે છે તમારી બધી વાત સાચી છે. યુવાન આગળની રજુઆતમાં ચુંટણી સમયે લોકોએ ભાજપને ખોબેખોબા મત આપ્યા હોવાની વાત કરે છે. પરંતુ જવાબમાં પ્રમુખ પારુલબેન કહે છે કે,અમે ઉપર રજુઆતો તો કરીએ છીએ

પરંતુ સરકારમાં બેઠા છીએ એટલે કાઇ બોલી નહી શકીએ. પ્રમુખ પારૂલબેન રાજકારણમાં નવાસવા છે, એટલે સાચી વાત કહી દીધી છે. કોરોનાની આ બીજી લહેરમાં કચ્છમાં સર્જાયેલી ખતરનાક સ્થિતિ દરમ્યાન સરકારમાં કચ્છનું પ્રતિનિધિત્વ કરતાં અન્ય પ્રતિનિધિઓની સરકારને સાચું કહેવાની લાચારીનો ભોગ કચ્છી પ્રજા બની છે.

(2:55 pm IST)