સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

ઝાલાવાડમાં કેનાલમાં પડી જતા પાંચ નિલગાયના મોત

ધ્રાંગધ્રા નજીકની કેનાલમાં ૧૩ જેટલી નિલગાય પડેલી : ૮ને જીવતી બહાર કઢાઇ : હજુ ત્રણ મૃતદેહ પાણીમાં છે

વઢવાણ તા. ૧૨ : ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર હાઇવે ઉપર નવલગઢ રાજ સીતાપૂર વચ્ચે આવેલ મોરબી બ્રાન્ચ કેનાલમાં તેર (૧૩) જેટલી નીલ ગાય કેનાલમાં પડી ગઈ હતી. આ ગાય કેનાલમાં પડી તેના સમાચાર આસપાસના ગામના લોકોનો મળતા ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે આવીને તરત જ ઘુડખર અભ્યારણ્યના અધિકારીને જાણ કરવામાં આવી અને તરત જ ઘુડખર અભયારણ્ય તેમજ વન વિભાગની ટીમનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને નિલગાયને બચાવ કામગીરી કરવામાં આવી હતી જેમાંથી આઠ (૮) જેટલી નિલગાયને જીવિત બહાર કાઢવામાં સફળતા મળી હતી.  જયારે પાંચ (૫)જેટલી નીલગાયના મોત થયા હતા જેમાંથી બે (૨) નીલગાયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

જયારે ત્રણ નીલગાયના મૃતદેહ કેનાલની અંદર સાયફોનમાં ફસાયેલ છે. જયારે આઠ જેટલી નીલગાયને બચાવીને તેમને પાછી છોડી મુકવામાં આવેલ હતી. આ નીલ ગાય કેનાલમાં કઈ રીતે પડી તે માટે તપાસ કરવામાં આવી રહી છે હાલ તો પાણી પીવા માટેની શોધમાં હોય અને કેનાલમાં પડી હોય અથવા કોઇને નડતર રૂપ હોય અને એવા કોઈ લોકોએ નાખી હોય તેની તપાસ કરવામાં આવશે. તેમ હાલમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરીમભાઈ એમ. મૂલતાની (રેન્જ ફોરેસ્ટ ઇન્ચાર્જ ધ્રાંગધ્રા રેન્જ ઓફિસરે) જણાવ્યું છે.

(11:01 am IST)