સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

ભુજમાં કોરોના સામે રોગ પ્રતિકારક શકિત વધારવા સરકારી આયુર્વેદ હોસ્પિટલનું જાગૃતિ અભિયાન : ઉકાળા, વટી અને ગોળીઓનું નિઃશુલ્ક વિતરણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૨ : સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ તથા વિવિધ સંસ્થાઓના સહયોગથી ભુજ શહેરના વિવિધ સ્થળે ઉકાળા વિતરણ તથા સંશમની વટી અને હોમિયોપેથી ગોળીનું વિતરણ એપ્રિલ-મે માસ દરમિયાન ૭૧૨૦ લાભાર્થીઓને ઉકાળા ૫૮૯૫ લાભાર્થીઓએ સંશમની વટી અને ૩૩૦૬ લાભાર્થીઓએ હોમિયોપેથી ગોળીનુ વિતરણ કરવામાં આવ્યું છે.

સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ કચ્છ ખાતે દરરોજ સવારે રોગપ્રતિકારક શકિત વર્ધક લાઇવ ઉકાળા તૈયાર કરી પીવડાવવામાં આવે છે. આ ઉપરાંત હોસ્પિટલના સમય દરમિયાન રોગપ્રતિકારક શકિત વર્ધક આયુર્વેદિક તેમજ હોમિયોપેથી ગોળીનું વિતરણ કરવામાં આવે છે. તા.૦૧/૦૪/૨૦૨૧ થી આજ દિન સુધી હોસ્પિટલમાં ૭૧૨૦ લાભાર્થીઓએ ઉકાળા. ૫૮૯૫ લાભાર્થીઓએ સંશમની વટી અને ૩૩૦૬ લાભાર્થીઓએ હોમિયોપેથી ગોળીના વિતરણનો લાભ લીધેલ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-સેવા સાધના દ્વારા પ્રમુખસ્વામી નગર, આરટીઓ રીલોકેશન સાઈટ, સરકારી પોલીટેકનીક કોલેજ સ્ટાફ, હરિપર પટેલવાસ, ન્યુ લોટસ કોલોની, વ્હાઈટ હાઉસ સ્કુલ, કેમ્પ એરિયા વિસ્તારમાં પુષ્કર્ણા બ્રાહમણ સંસ્થાન દ્વારા સમાજવાડી ખાતે, માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા, પોલીસ હેડ્કવાર્ટર અને સી કંપની બટાલિયન દ્વારા સ્ટાફમાં ૧૩૮૫ વ્યકિતને ઉકાળા વિતરણ ૧૬૧૭૫ વ્યકિતને સંશમનીવટી અને ૫૬૮૦ વ્યકિતને હોમિયોપેથી ગોળી વિતરણ કરાયુ હતુ. આ કામગીરીમાં ડો. પાવન ગોર, ડો. વાસંતીબેન જાદવ, શ્રીમતી રેખાબેન સોરઠીયા, શ્રીમતી ક્રિષ્નાબેન ગોર નો સહયોગ મળેલ છે.

આયુષ મંત્રાલય ભારત સરકારની ગાઇડ લાઇન અનુસાર, ગુજરાત સરકારશ્રીનાં આયુષ વિભાગનાં નિયામક શ્રી વૈદ્ય ભાવનાબેન પટેલની સુચનાથી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજનાં વૈદ્યમાર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ સરપટ ગેઇટ પાસે પોલીસ પરેડ ગ્રાઉન્ડની સામે ભુજ-કચ્છ દ્વારા કોરોના વાયરસ જન્ય મહામારી સામે રક્ષણાત્મક સ્વરૂપે અને રોગ પ્રતિકારક શકિત વધે તે હેતુથી કામગીરી કરવામાં આવેલ છે. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓને હર્બલ ટી તેમજ ઘરગથ્થુ આયુર્વેદીક ઉકાળાની સમજ આપવામાં આવે છે, એમ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના પંચકર્મ વૈદ્ય શ્રીમતી ડો. ઉર્વશીબેન મોદીની અખબારી યાદીમાં જણાવેલ છે.

(10:12 am IST)