સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

ગોંડલ તાલુકાના મેસપર ગામે ચૂંટણીના જુના મનદુઃખમાં ગિરાસદાર યુવાનો વચ્ચે માથાકૂટ સર્જાતા એક યુવાનની લોથ ઢળી

માથાકૂટમાં મોતને ભેટનાર ગિરાસદાર યુવાન રાજકોટ સિટી પોલીસમાં ફરજ બજાવતા હતા.

ગોંડલ : ગોંડલ તાલુકાના મેસપર ગામે ચૂંટણીના જુના મનદુઃખમાં ગીરાસદાર યુવાનો વચ્ચે બપોરના સુમારે તિક્ષણ હથિયાર સાથે માથાકૂટ સર્જાતા એક યુવાનની લોથ ઢળી જવા પામી હતી જ્યારે અન્ય બે યુવાનોને ગંભીર રીતે ઘવાતા તેને પ્રાથમિક સારવાર ગોંડલ આપી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના મેસપર ગામે બપોરના સુમારે રાજકોટ સિટી પોલીસમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ રાજભા જાડેજા, અનિરુદ્ધસિંહ વનરાજસિંહ જાડેજા અને સામા પક્ષે માજી સરપંચ રાજેન્દ્રસિંહ જાડેજા પરિવાર વચ્ચે ચૂંટણીના જુના મનદુઃખમાં ડખો થવા પામ્યો હતો અને આ ડખો તિક્ષણ હથિયારો સાથે મારામારીમાં પરિણમતા નરેન્દ્રસિંહ રાજભા જાડેજા નામના પોલીસ કોન્સ્ટેબલનું મોત નિપજવા પામ્યું હતું. ઘટનાની જાણ તાલુકા પોલીસના પી.એસ.આઈ વાય બી રાણા ને થતા પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને મૃતકની લાશનો કબજો લઇ પીએમ માટે ગોંડલ સરકારી દવાખાને ખસેડી હતી.

મારામારીની ઘટનામાં ઘાયલ અને અનિરુદ્ધસિંહ વનરાજસિંહ જાડેજા ને પ્રાથમિક સારવાર માટે ગોંડલની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.આ મારામારીમાં હજુ બે-ત્રણ યુવાનો ઘાયલ થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું પરંતુ આધારભૂત માહિતી મળવા પામી ન હતી.

મારામારીની ઘટના માં એક શખ્સે પોલીસ મથકમાં સામેથી હાજર

મેસપર ગામે ચૂંટણીના જુના મનદુઃખમાં પોલીસ કોન્સ્ટેબલ એવા ગિરાસદાર યુવાનની લોથ ઢળી ગયા બાદ આરોપી એવા માજી સરપંચ રાજેન્દ્રસિંહ જટુભા જાડેજા તાલુકા પોલીસ મથકમાં સામેથી હાજર થઇ ગયા હોવાનુ પી.એસ.આઇ રાણાએ જણાવ્યું હતું.

માથાકૂટ બાદ પોલીસ કોન્સ્ટેબલ યુવાનની લાશને વાડીએ ફેકી સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

રાજકોટના પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ રાજભા જાડેજા અને અનિરુદ્ધસિંહ વનરાજસિંહ જાડેજા બપોરના સુમારે પોતાના ઘરેથી વાડી તરફ જવા નીકળ્યા હતા ત્યારે માજી સરપંચ રાજેન્દ્રસિંહ જાડેજા ના ઘર પાસેથી પસાર થયા અને ઝઘડો થવા પામ્યો હતો નરેન્દ્રસિંહ લોથ ઢળી ગયા બાદ તેની લાશને આરોપીઓ વાડી તરફ લઇ ગયા હતા અને ત્યાં ફેંકી દીધી હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.

ત્રણ પેઢીથી ચાલી આવતા ડખા અને છેલ્લે ચૂંટણીની માથાકૂટમાં લોથ ઢળી

 

નાના એવા મેસ્પર ગામમાં માથાકૂટને લઈ ચર્ચાઓ થવા લાગી હતી કે બંને ગિરાસદાર પરિવારો વચ્ચે છેલ્લા ત્રણ પેઢીથી માથાકૂટ ચાલી આવતી હતી અને વારંવાર ઘીના ઠામમાં ઘી પણ પડી જતું હતું જ્યારે આજે થયેલા ડખ્ખામાં યુવાનોનો ભોગ લેવાયો હતો.

મરણ જનાર યુવાન વાડી ની દેખરેખ માટે આજે મેસ્પર આવ્યા હતા

રાજકોટ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ રાજભા જાડેજા પરિવાર સાથે રાજકોટના ઘંટેશ્વર પાસે રહે છે અને ખેતીવાડી ની સારસંભાળ માટે મેસ્પર આવ્યા હતા, બે ભાઈઓ માં તેઓ મોટા હતા અને હજુ એક વર્ષ પહેલાં જ લગ્નગ્રંથિથી જોડાયા હતા આગામી થોડાક દિવસોમાં જ તેમના ઘરે શ્રીમંતનો પ્રસંગ આવનાર હોવાનું તેમના મેસપર ના સગા સ્નેહીઓ એ જણાવ્યું હતું, તેમના પિતા રાજકોટ એસઆરપીમાં ફરજ બજાવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું

 

(10:15 pm IST)