સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

મોરબીના રફાળેશ્વરમાં પાણી પ્રશ્ને મહિલાઓ દ્વારા ઉગ્ર રજુઆતઃ ઉકેલની ખાતરી

મોરબી, તા.૧૨: રફાળેશ્વર ગામે પાણી નહિ મળતા મહિલાઓ વિફરી હતી ડીડીઓને રજૂઆત કરી હતી.

હાલ કાળઝાળ ગરમી વચ્ચે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે પીવાના પાણીની સમસ્યાથી મહિલાઓની ધીરજ ખૂટી પડી હતી અને આજે બેડા સાથે મહિલાનું ટોળું જીલ્લા પંચાયત કચેરી પહોંચ્યું હતું જયાં ડીડીઓને રજૂઆત કરવામાં આવી હતી.

 રફાળેશ્વરમાં છેલ્લા એક સપ્તાહથી પંચાયત દ્વારા પાણી વિતરણ બંધ કરી દેવાતા કાળઝાળ ઉનાળામાં મહિલાઓને એક બેડા માટે રઝળપાટ કરવી પડે તેવી કપરી સ્થિતિ સર્જાઈ છે અને પાણી વિના તરવરતી મહિલાઓ આજે બેડા સાથે રોષભેર જીલ્લા પંચાયત કચેરીએ પહોંચી હતી અને ડીડીઓને લેખિત રજૂઆત કરી હતી જેમાં ગામના આગેવાનને સાથે રાખીને મહિલાઓએ કરેલી રજૂઆતમાં ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી વિરુદ્ઘ આક્ષેપો કરી બન્ને વિરુદ્ઘ પગલાં ભરવા માંગ ઉઠાવી જો પગલાં ભરવામાં નહિ આવેતો પરિવાર સાથે આત્મવિલોપન કરવા ડીડીઓને લેખિત ચીમકી આપવામાં આવી છે.

 ભરઉનાળે પીવાના પાણીની સમસ્યા અંગે કરેલી રજૂઆતમાં ડીડીઓ એસ.એમ. ખટાણાએ યોગ્ય પ્રતિભાવ આપીને સમસ્યાના ઉકેલની ખાતરી આપતા મહિલાઓ શાંત પડી હતી અને કચેરીથી પરત ફરી હતી જોકે ભરઉનાળે પાણીની તંગી સર્જાતા મહિલાઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ છે અને ગ્રામ પંચાયતના પદાધિકારી તેમજ અધિકારીઓના બેજવાબદાર વલણથી ગ્રામજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

(11:58 am IST)