સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

બગવદરમાં જળ અભિયાનને આવકારતા લોક પ્રતિભાવો

પોરબંદર, તા.૧૧: રાજય સરકારના સુજલામ સુફલામ જળ અભિયાનને પોરબંદર જિલ્લામાં જન સમર્થન મળી રહયું છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તા.૧૨-૫-૨૦૧૮ના સવારે બગવદર ખાતે રન્નાદે નવ ગ્રહ મહા મંદિર ખાતે તળાવને ઉંડુ કરવાના શ્રમદાનના કાર્યક્રમમાં પધારી રહયા હોય આસપાસના ખેડૂતો અને  જળ સિંચન માટે શ્રમદાન કરનારા ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળે છે. રાજય સરકારના આ જળ અભિયાને સ્થાનિક લોકોએ આવકારતા લોક પ્રતિભાવો આપ્યા છે.

 રન્નાદે મંદિર ખાતે દર્શનાર્થે આવેલા કેશોદના બામણાસા ગામના શ્રી જગમાલભાઇ કચોટે જણાવ્યું હતું કે પાણી વગર જન જીવન શકય નથી. ખેડૂતોની સમૃધ્ધિ પાણી હોય તો જ થાય તેમ છે. લોકોએ પાણી બચાવવા ભગીરથ પ્રયાસો કરવા જોઇએ. વરસાદનું પાણી સંગ્રહ થાય તે માટે તળાવો ઉંડા કરવા જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું. તેમના પરિવારના શ્રી ડીમ્પલબેન ભેટારિયાએ કહયું કે બહેનોએ દ્યર કામમાં પાણીનો કરકસર પુર્વક ઉપયોગ કરવો જોઇએ. પાણી બચાવવા બહેનો મહત્વનું યોગદાન આપી શકે તેમ છે. પાણી હશે તો જીવન છે તેમ કહી રાજય સરકારના પાણી સંગ્રહિત કરવાના પ્રયાસોને આવકાર્યા હતા.

 બગદવર મંદિરના પુજારી શ્રી શીલુભાઇએ કહયું કે, બગવદરમાં રન્નાદે સુર્ય મંદિર બહુ પુરાણું છે. મંદિર ખાતે દ્યણા દર્શનાર્થીઓ આવે છે.મંદિર પાસે આવેલ તળાવમાં આજે પણ પાણી છે. તે બતાવે છે કે પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા હોય તો પાણી ઉનાળામાં પણ રહે છે. હજુ  વધું તળાવ  ઉંડા કરવામાં આવે તો પાણીની ક્ષમતા વધશે.

બગવદરના શ્રી ધીરૂભાઇ નિમાવતે કહયું કે, જળ એ જીવન છે. પાણીની કિંમત અમુલ્ય છે. લોકોએ પાણી પ્રત્યે ચિતિંત થવાની જરૂર છે. પાણી બચાવવા લોકો આગળ આવે અને સરકારના પ્રયાસોમાં સહભાગી બને તે જરૂરી છે. શ્રી દેવાભાઇ ઓડેદરાએ કહયું કે બગવદર આસપાસ હાલના તળાવોને લીધે પાણીના તળ ઉંડા છે. રાજય સરકાર દ્વારા લોક ભાગીદારીથી બગવદરના તળાવોને ઉંડા કરવામાં આવી રહયા છે તેનાથી પાણીના તળ વધું ઉંચા આવશે.શ્રી કેશુભાઇ ઓડેદરાએ પણ પાણી પ્રભુનો પ્રસાદ છે તેમ કહી મુખ્યમંત્રી બગવદર ખાતે જળ અભિયાનમાં આવી રહયા છે તે અંગે આનંદની લાગણી વ્યકત કરી હતી. ધારાસભ્ય શ્રી બાબુભાઇ બોખીરીયાએ કહયું કે સમગ્ર રાજયમાં ૧લી મેથી જળ અભિયાન ચાલી રહયું છે તેમાં પોરબંદર જિલ્લો પણ લોક ભાગીદારી સાથે જોડાયો છે. જિલ્લામાં જયા પણ તળાવો બન્યા છે ત્યાં પાણીના તળ ઉંચા આવ્યા છે. મગફળીનો પણ ઉતારો સારો આવે છે.બગવદર ખાતે મુખ્યમંત્રીશ્રીને આવકારવા થયેલા આયોજન અને વરસાદી પાણી સંગ્રહ કરવા જીલ્લામાં થઇ રહેલા કાર્યો અંગેની પણ તેમણે માહીતી આપી હતી.

(11:56 am IST)