સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

ધ્રોલના વાંકિયા ગામના ૩૦ ખેડૂતોએ ૧૦૦૦ ફુટ માટી તળાવ માંથી સ્વખર્ચે કાઢી

ધ્રોલના વાંકિયા ગામે ખેડૂતોએ સ્વખર્ચે તળાવમાંથી માટી કાઢી તળાવ ઉંડું ઉતારેલ તેનું નિરીક્ષણ કરતા અધિકારીઓ નજરે પડે છે.

જામનગર, તા.૧૨: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ૨૫૦૦ ની વસ્તી ધરાવતા નાનકડા એવા વાંકિયા ગામના તળાવમાંથી ગામના જ ૩૦ જેટલા ખેડુતોએ તળાવમાંથી માટી સ્વખર્ચે ૧૦૦૦ ફુટ જેટલી કાઢી તળાવની જલસંગ્રહ શકિતમાં વધારો કર્યો છે.

ધ્રોલ તાલુકાના સિંચાઇના અધિકારી અને સુજલામ સુફલામ જળસંચય અભિયાનના નોડલ અધિકારીશ્રી પી.એમ. ભોજાણીના જણાવ્યા અનુસાર ખેડુતોના સ્વૈચ્છિક જળસંગ્રહ અભિયાનના પરિણામે પહેલા જે તળાવ ૫ ઇંચ વરસાદથી પણ છલકાઇ જતુ હતુ તે હવે ૧૦ ઇંચ વરસાદે પણ છલકાતુ નથી. તળાવની જળસંગ્રહ શકિત વધી છે.

ગામના અગ્રણી છગનભાઇ ભિમાણી કહે છે કે, અમારા ગામના જાગૃત ખેડુત જયેશભાઇ ગણેશભાઇ અને સુનિલભાઇ દયાળજી સહિતના ૩૦ જેટલા ખેડુતોએ જળસંગ્રહ માટે ભગીરથી કામ આ ગામ માટે કર્યુ છે. આ ઉપરાંત ખેડુતો દ્વારા સ્વેચ્છાએ જ તળાવની માટીથી જ તળાવનું સમારકામ કરી તળાવનું મજબુતીકરણનું કામ થઇ રહ્યુ છે.        

વાંકિયા ગામ સિંચાઇ ખાતાના નિવૃત અધિકારીશ્રી કે.જે.ચાવડા પણ જળસંગ્રહ અભિયાનનું માર્ગદર્શન ખેડુતોને આપે છે. તેઓ કહે છે કે, વાંકિયમાં આ અભિયાનથી જમીનની ફળદ્રુપતા વધશે. ભુગર્ભ જળ ઉંચા આવશે. ખેતઉત્પાદન વધતા ખેડુતોનું આર્થિકસ્તર ઉંચુ આવશે.

આ ગામના સુંદર જળસંગ્રહના કાર્યની મુલાકાત એડિશનલ ચીફ સેક્રેટરી સંગીતા સિંગે પણ લીધી હતી.

(11:51 am IST)