સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

જળાશયોની સંગ્રહ શકિત મહત્તમ લઇ જવા વિજયભાઇનું આહવાન

પોરબંદરના બગવદરમાં તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીઃ શ્રમિકોને સુખડી અને ઠંડી છાશ વિતરણ

બગવદરમાં જળસિંચન કામગીરીઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાવેલ તથા બુલડોઝરનું પુજન કર્યુ હતું. સમારંભ વિજયભાઇનું સન્માન કરેલ તે તસ્વીર

પોરબંદર, તા.૧૨: બગવદરમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હેઠળ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે સવારે તળાવ  ઉંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાવીને ચોમાસા પહેલા જળાશયોની સંગ્રહ શકિત મહતમ લઇ જવા આહવાન કર્યુ હતું. મુખ્યમંત્રીએ તળાવ ઉંડુ ઉતારવા આવેલ બુલડોઝરને પુજયું હતું અને ધાર્મિક વિધી કરી હતી.રાજયભરના તળાવોમાં ભરાયેલા કાંપને કાઢી તેની સંગ્રહ શકિતવધારવાના શુભ હેતું સાથે રાજય સરકાર દ્વારા આરંભવામાં આવેલા સુજલામ્ સુફલામ્ જળ અભિયાનમાં સ્વયં શ્રમદાન કરવાની નૂતન પહેલા કરનાર મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી આજે સવારમાં પોરબંદર જિલ્લાના બગવદર ગામે પહોંચ્યા હતા અને ગામની સીમમાં આવેલા તળાવને ઉંડુ ઉતારવાના ભાગિરથી કાર્યમાં સહભાગી બન્યા હતા.

બગવદર ગામના વિશાળ તળાવને ઉંડુ ઉતારવાનું આયોજન સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ અહીં શ્રમદાન કરવા માટે પહોંચ્યા હતા. તેમણે સર્વ પ્રથમ તળાવને ખોદવા માટેની ધાર્મિક વિધિ કરી હતી અને તે બાદ મુખ્યમંત્રીશ્રીએ પોતે ત્રિકમ ઉપાડ્યું હતું. તેમણે તળાવને ઉંડુ લઇ જવા માટે ખોદકામ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રમદાનના મહાકાર્યમાં જોડાયેલા ગ્રામજનોને મળવા પહોંચી ગયા હતા અને તેમણે પ્રત્યક્ષ મળી જળ અભિયાનની કામગીરીની પૃચ્છા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ ઉદ્યમીઓને ઠંડી છાસ અને સુખડીનું વિતરણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ બગવદરના તળાવને ઉંડુ ઉતારવા માટે આવેલા બૂલડોઝરને પણ પૂજયું હતું અને ખોદાણ કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન, શ્રી રૂપાણીએ કલેકટર મુકેશ પંડ્યા પાસેથી પોરબંદર જિલ્લામાં ચાલતા કામોની માહિતી મેળવી હતી.

અહીં યાદ અપાવવું જોઇએ કે બગવદર તળાવને ઉંડુ ઉતારવા માટે ચાર હિટાચી, ચાર બૂલડોઝર કામે લાગ્યા છે અને તળાવ ઉંડું ઉતરતા આસપાસના ત્રણ ગામોના જળતળ ઊંચા આવશે.  આ વેળાએ ધારાસભ્ય શ્રી બાબુભાઇ બોખીરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઇ પણ સાથે જોડાયા હતા. 

મુખ્યમંત્રી દ્વારા કિર્તીમંદિરે પૂ. ગાંધીજીને પુષ્પાંજલી અર્પવાની પરંપરા તૂટી

પોરબંદર તા. ૧રઃ મુખ્યમંત્રી જયારે પોરબંદરની મુલાકાત લ્યે ત્યારે પૂ. ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિરે પુષ્પાંજલી અર્પવામાં આવે છે અત્યાર સુધી પોરબંદર પધારેલા મુખ્યમંત્રીઓ દ્વારા પૂ. ગાંધીજીને પુષ્પાંજલી અર્પવામાં આવી છે. આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પોરબંદર એરપોર્ટ ઉપર ઉતરાણ કરીને સીધા બગવદર જળસિંચન અભિયાનનો પ્રારંભ કરાવવા નીકળી ગયેલ હતાં અને કીર્તિ મંદિરે પુષ્પાંજલિ અર્પણ કરવાની વર્ષો જુની પરંપરા તુટી હતી.

(4:00 pm IST)