સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

વાંકાનેરના વાલાસણના જાવેદની હત્યા કરાયાની માતા દ્વારા પત્નિ અને તેના માવતરીયા સામે ફરીયાદ

પોલીસે અકસ્માત મૃત્યુનું કારણ નોંધી પી.એમ. કરાવતા માતાએ કોર્ટમાં ફરીયાદ કરી

વાંકાનેર તા. ૧ર : વાંકાનેરના વાલાસણ ગામે રહેતી અમીનાબેન હુશેનભાઇ કડીવારે પોતાના પુત્ર જાવેદને પરાણે ઝેર પાઇ માથામાં બોથડ પદાર્થનો ઘા મારી કાવત્રુ રચી હત્યા કર્યાની શંકા વ્યકત કરીને વાંકાનેરની કોર્ટમાં વાંકાનેરના ઘીયાવડ ગામે રહેતી  પત્ની કુલસુમબેન રહીમભાઇ મેસાણીયા, નુરબાઇબેન રહીમભાઇ મેસાણીયા, આરીફ રહીમ મેસાણીયા અને રહીમ મેસાણીયા વિરૂધ્ધ ફરીયાદ કરી છ.ે

ફરીયાદમાં જાણાવ્યા પ્રમાણે પોલીસે જાવેદના મૃત્યુ અંગે અકસ્માત મૃત્યુનું કારણ નોંધીને પી.એમ. કરાવતા ફરીયાદી અમીનાબેને પોતાના પુત્ર જાવેદનું મૃત્યુ અકસ્માતથી નહિ પરંતુ કાવત્રુ રચી ઉપરોકત ઇસમોએ પરાણે ઝેરી દવા પીવડાવી માથામાં બોથડ પદાર્થથી ઇજા કરી મારમારી મૃત્યુ નિપજાયેલ છે તેઓ આક્ષેપ કરીને હત્યા થયાની ફરીયાદ કરી છે

ફરીયાદમાં તેણીએ જણાવેલ છે કે, બનાવ સમયે મારા પુત્ર પાસે બે મોબાઇલ ફોન હતા. તે આરોપીઓએ ગુમ કરી દીધેલ છે, તેમજ મારા પુત્રનું મોટરસાયકલ પણ ગુમ કરી દેવાયેલ છે.

ફરીયાદમા જણાવ્યા પ્રમાણે મરનાર જાવેદના આરોપી પત્ની કુલસુમ સાથે લગ્ન થયા હતા બંને વચ્ચે અવાર-નવાર ઝઘડો થતો અને અણબનાવ વધી ગયો હતો. બંનેએ પ્રેમલગ્ન કરેલ હતા. તનાવ વધતા કુલસુમના માવતરીયાં હથીયારો લઇને ઘરે આવીને ખુનની ધમકી પણ આપેલ હતી.

ફરીયાદમાં મૃતક જાવેદની પત્ની કુલસુમ સાસુ નુરબાઇબેન સાળા આરીફ અને સસરા રહીમના નામો આપવામાં આવેલ છે સદરહુ ફરીયાદની તપાસ મોરબી ડી.એસ.પી.ને સોપવા અથવા તેમના માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી.ને સોંપવા ફરીયાદીએ માંગણી કરી છે.

આ બનાવે વાંકાનેર પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

(11:43 am IST)