સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

મોરબી મિલેનિયમ ગ્રુપ દ્વારા સિરામિક ફેકટરીમાં શ્રમિક માટે હંગામી હોસ્પિટલ જેવી સુવિધા

સરકારને ભરોસે બેસવાને બદલે મિલેનિયમ ગ્રુપ દ્વારા પોતાની ફેકટરી સમૂહ માટે આરોગ્ય સેવા શરૂ કરી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૧૦: કોરોના મહામારી વચ્ચે સરકારી હોસ્પિટલ અને ખાનગી દવાખાના દર્દીઓથી ઉભરાય રહ્યા છે.

ત્યારે મોરબીના મિલેનિયમ ગ્રુપ ઓફ કંપની દ્વારા અપના હાથ જગન્નાથ સૂત્રને સાર્થક બનાવી પોતાના શ્રમિકો માટે ફેકટરીમાં જ આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવી દર્દીઓની સારવાર સુશ્રુશા શરૂ કરાવી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મોરબીની પ્રવર્તમાન પરિસ્થિતિ જોતા હોસ્પીટલમાં જગ્યા ન હોવાથી મિલેનિયમ ગ્રુપના ડાયરેકટર રાજેશભાઈ કોરડીયા અને રાકેશભાઈ કોરડીયા દ્વારા એક સારો વિચાર કરીને તેમનાં દ્વારા સંચાલિત મિલેનિયમ ફાઉન્ડેશન દ્વારા શ્રમિક લોકોને લોરેન્જો તેમજ તેમના બધા ગ્રૂપ યુનિટ ખાતે એક સારી મેડિકલ સુવિધા આપવા ફેકટરીમાં જ મંડપ, ગાદલા સહિતની સુવિધાઓ સાથે શ્રમિકોની સારવાર સુશ્રુશા શરૂ કરવામાં આવી છે.

આ પ્રેરણાદાયી માનવસેવાની કામગીરી બદલ મિલેનિયમ ગ્રુપ ઓફ કંપનીને ચોતરફથી શુભકામનાઓ મળી રહી છે અને અન્ય ફેકટરીમાં પણ આવી સુવિધા ઉપલબ્ધ બને તે માટે લોકો અનુરોધ પણ કરી રહ્યા છે.

(12:18 pm IST)