સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

ઉના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કાલથી ૬ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉનઃ વેપારીઓને સહકાર આપવા અપીલ

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧ર :.. શહેરમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા ચેમ્બર ઓફ કોમર્સો કાલથી સ્વૈચ્છીક લોકડાઉનમાં દવા, આવશ્યક ચીજ વસ્તુને મુકત રાખેલ છે. ૬ દિવસ સંપૂર્ણ કામ ધંધા બંધ રાખવા ચેમ્બરે સર્વાનુમતે નિર્ણય લઇને વેપારીઓને સહકાર આપવા અપીલ કરી છે.

ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ઇશ્વરભાઇ મુ. જેઠવાની ત્થા પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડની આગેવાની હેઠળ વેપારીઓની મીટીંગ યોજાઇ હતી. જેમાં ઉના શહેરમાં કોરોનાનું સંક્રમણ રોકવા કોરોનાની સાંકળ તોડવા આગામી તા. ૧૩ ને મંગળવારથી ૧૮ ને રવિવાર સુધી ૬ દિવસનું સંપૂર્ણ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરેલ છે.

આ લોકડાઉનમાં તમામ નાના મોટા વેપારીઓ, ચા, પાન, લારી, ગલ્લાવાળાઓ, શાકભાજી, ફ્રુટનાં ધંધાર્થીઓએ સજ્જડ બંધ પાળવા સંમતિ આપી છે. આ છ દિવસનાં લોકડાઉન દરમ્યાન મેડીકલ સ્ટોર્સ, દવાખાના, હોસ્પીટલ, લેબોરેટરી, કલીનીક ચાલુ રહેશે. તેમજ દુધનું વેચાણ કરતા વેપારી અને દૂધવાળાઓએ સવારે પ થી સવારે ૧૧ સુધી ત્થા સાંજે પ થી રાત્રીના ૮ વાગ્યા સુધી દૂધનું વેચાણ કરી શકશે.

આ લોકડાઉનનો સંપૂર્ણ સહકાર આપવા અને કોરોના સંક્રમણ અટકાવવા આમ પ્રજાનો સહકાર માંગેલ છે.

(12:13 pm IST)