સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

સુરેન્દ્રનગર જિલ્લામાં ૪૫ વર્ષથી વધુ વય ધરાવતા ૧.૦૯ લાખથી વધુ લોકોનું રસીકરણ

૧૭૫ રસીકરણ કેન્દ્રો : ૬૦૦ વેકસીનેટરો સહિત ૧૮૦૦ થી વધુ આરોગ્ય કર્મીઓ કાર્યરત

વઢવાણ તા.૧૨ : હાલ કોરોના મહામારીના વધતા જતા સંક્રમણને ધ્યાને લઇ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા તેમજ નાગરિકોને સંક્રમણથી બચાવવા જિલ્લા પ્રસાશન દ્વારા રસીકરણ સહીતની આરોગ્યલક્ષી કામગીરીનો વેગ વધારવામાં આવ્યો છે. જિલ્લાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે,તેમજ તેની સાથો સાથો કોરોના ટેસ્ટિંગનો દર પણ વધારવામાં આવ્યો છે. લોકોને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે જિલ્લાના ૧૭૫ રસીકરણ કેન્દ્રો ઉપરથી રસીકરણની સદ્યન કામગીરી થઈ રહેલ છે. અત્યાર સુધીમાં જિલ્લામાં ૪૫ વર્ષથી વધુ વય ધરાવતાં ૧.૦૯ લાખથી વધુ લોકોને રસી મૂકી કોરોના સામે રક્ષિત કરવામાં આવ્યા છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીડો. ચંદ્રમણી કુમારના જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં વેકસીનને સાચવવા માટેની તમામ સુવિધાઓ સાથે કુલ ૭૫ કોલ્ડ ચેઈન પોઈન્ટ ઉભા કરેલ છે,જયાંથી વેકસીનને યોગ્ય જાળવણી સાથે સબંધિત રસીકરણ કેન્દ્રો ઉપર મોકલવામાં આવે છે.

જિલ્લાવાસીઓને કોરોના સંક્રમણથી બચાવવા અને રસીકરણના કાર્યમાં વેગ આવે તે માટે સમગ્ર જિલ્લામાં ૧૭૫ રસીકરણ કેન્દ્રો સહીત અનેક જગ્યાઓ ઉપર રસીકરણ કેમ્પના આયોજન મારફત રસીકરણની કામગીરીને ગતિ આપવામાં આવી છે. આ રસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લાભરમાં આશરે ૬૦૦ થી વધારે વેકસીનેટરો સહીત અંદાજે ૧૮૦૦ થી પણ વધુ આરોગ્ય કર્મીઓ કાર્યરત છે.

રસીકરણનું કાર્ય ઝડપથી અને સરળતાથી થાય તે માટે જો કોઈ સ્વૈચ્છિક સંસ્થા - સમુદાયના લોકો સહભાગી થવા ઈચ્છે તો આવી સંસ્થા - સમુદાયના લોકોની લાગણીને ધ્યાને લઈ તે મુજબના રસીકરણ કેમ્પનું સુદ્રઢ આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,અત્યાર સુધીમાં ચુડા તાલુકામાં ૭૦૯૮,ચોટીલા તાલુકામાં ૪૩૪૫,ધ્રાંગધ્રા તાલુકામાં ૧૨,૫૬૮,લખતર તાલુકામાં ૫૪૬૫, લીંબડી તાલુકામાં ૧૦,૩૩૧,મુળી તાલુકામાં ૮૩૮૯, પાટડી તાલુકામાં ૧૧,૫૫૪,સાયલા તાલુકામાં ૬૦૦૯, થાનગઢ તાલુકામાં ૪૬૨૬ અને વઢવાણ તાલુકામાં ૩૯,૦૨૦ મળી કુલ ૧,૦૯,૪૩૫ લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી મૂકવામાં આવી છે.

(12:09 pm IST)