સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

કોરોના સંક્રમણના વધતા પ્રમાણને રોકવા ૩૦મી સુધી દ્વારકાધીશ જગતમંદિર ભાવિકો માટે બંધ

જિલ્લા કલેકટરની વિઝીટ બાદ લેવાયો નિર્ણય

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૧૨: કોરોના સંક્રમણના વધતા પ્રમાણને રોકવા ૩૦મી એપ્રિલ સુધી યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્ધ દ્વારકાધીશ મંદિરને યાત્રાળુઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

દેશભરમાં જ્યારે કોરોના સંક્રમણ સતત વધી રહ્યુ છે. અને ગુજરાતમાં પણ તેના વધતા કહેર સામે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગત સપ્તાહમાં અલગ અલગ શહેરોએ સ્વૈચ્છિક આંશિક લોકડાઉન શરૂ કરી દીધા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તેમજ દેવસ્થાન સમિતિના અધ્યક્ષ ડો.નરેન્દ્રકુમાર મીનાએ દ્વારકાધીશ જગતમંદિરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ આગામી ૩૦મી એપ્રિલ સુધી ફરી એક વાર ભાવિકો માટે જગતમંદિરમાં પ્રવેશ બંધનો નિર્ણય લેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના સોમનાથ, વીરપુર સહિતના તીર્થસ્થાનોમાં અગાઉથી જ યાત્રીકો માટે પ્રવેશ બંધ કરી દેવાયો હોય ત્યારે દ્વારકાધીશ મંદિર માટે પણ નિર્ણય લેવાતા ૩૦મી એપ્રિલ સુધી જગરમંદિરના દ્વાર ભાવિકો માટે બંધ રહેનાર છે.

કોરોનાની ગંભીર સ્થિતીને લઇ પ્રશાસન એલર્ટ

દ્વારકામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોમતી ઘાટ, સુદમા સેતુ, રૂક્ષ્મણી મંદિર ભડકેશ્વર મહાદેવ મંદિર, મીરા ગાર્ડન અને શિવરાજપુર બીચ તારીખ ૧૨ એપ્રિલ થી ૩૦ એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.

(10:30 am IST)