સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th March 2018

સલાયામાં જુથ અથડામણમાં સામસામી ફરિયાદ

ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ અફવાનુ બજાર ગરમ

ર ઇજાગ્રસ્તો સારવારમાં  :.. જામનગર : સલાયામાં થયેલ જૂથ અથડામણમાં ઘવાયેલા બે લોકોને વધુ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં લવાયા હતા. (તસ્વીર : કિંજલ કારસરીયા -જામનગર)

 

ખંભાળીયા  તા. ૧ર :.. સલાયાના બે જૂથ વચ્ચે અથડામણ માં સામસામી પોલીસ ફરીયાદ થઇ છે. બે જૂથ વચ્ચે અથડામણ થયાની સાથે જ અનેક અફવાઓ ભર્યુ વાતાવરણ સર્જાયુ હતું.

આ બનાવના પગલે ડીવાયએસપી એલ.સી.બી. એસઓજી સહિતની ટીમો સલાયા દોડી ગઇ હતી. અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

બનાવની વિગત એવી છે કે સલાયાના જકાત નાકા પાસે રહેતા ફરીયાદી જાહીદ સાલેમામદ ભગાડની બોટ રાખવાની જગ્યાએ આરોપી ફારૂક ઓસમાણ ભાયા તથા તેમના ભાઇઓએ આડા લાકડા રાખી દીધા હોય જેથી ફરીયાદીના પીતા સાલેમામદ ભગાડ તથા અસલમભાઇએ સલાયા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયેલ જેનો ખાર રાખી આરોપી (૧) મામદ હાસમ ભાયા (ર) ઇરફાન અબાસ હાજી ભાયા (૩) આરીફ અબ્દુલ હાજી ભાયા (૪) સલેમાન ઓસમાણ ભાયા (પ) અબ્બાસ હાસમ ભાયા (૬) બસુ ઓસમાણ ભાયા (૭) મુનીફ અબ્દુલ ભાયા (૮) ફારૂક ઓસમાણ ભાવા તથા બે અજાણ્યા માણસો એ ગે. કા. મંડળી રચી છરી લાકડી લોખંડના હથીયારો ધારણ કરી હૂમલો કરી ફરીયાદી જાહીદ તથા તેના ભાઇ અસલમને ઇજા કર્યાની પોલીસ ફરીયાદ જાહીદભાઇ ભગાડ એ ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ નોંધાવતા પોલીસએ ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ ૩ર૩, ૩ર૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વળતી ફરીયાદમાં ફરીયાદી ઉમર ફારૂક હાજી ઓસમાણ ભાયા તથા શબીર હાજી ભાયા એકટીવા લઇ ઘરે જમવા માટે જતા હતા ત્યારે આરોપી સાલેમામદ ઉર્ફે સાસુ પટેલ કરીમ ભગાડ (ર) અસલમ સાલેમામદ ભગાડ (૩) જાહીદ સાલેમામદ ભગાડ (૪) ઇરફાન સાલેમામદ ભગાડ (પ) મેમુદ નુરમામદ ભગાડ (૬) અકબર હારૂન ભગાડ (૭) હુસેન નુરમામદ ભગાડ (૮) અબ્દુલ કરીમ સલીમ ભગાડ (૯) ઉમર કરીમ ભગાડનો છોકરો આ તમામ ઇસમો એ ગે. કા. મંડળી રચી પુર્વ આયોજીત કાવત્રુ પાર પાડવાના ઇરાદે અર્ટીંગા મોટર કારમાં આવી ઉપરોકત ફરીયાદીનું મો. સા. રોકી હથીયારો વડે હૂમલો કરી હેમરેજ જેવી ઇજાઓ કરી અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી ફ્રેકચર જેવી ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપીયાની પોલીસ ફરીયાદ ઉમર ફારૂક હાજી ઓસમાણ ભાયાએ ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ નોંધાવતા પોલીસ એ કલમ ૩ર૩, ૩ર૪,, ૩૦૭, ૧૪૩, ૧૪૭,  ૧૪૮, ૧૪૯, ૧ર૦-બી સહિતની કલમ મુજબ ગુન્હો નોંધી પોલીસએ આગળની તપાસ હાથ ધરી છે.

સલાયા ખાતે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ બે જૂથ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી વેરઝેર ચાલી રહ્યું છે. અગાઉ બે માસ પુર્વ પણ સામસામી માથાકુટ થઇ હતી. બાદમાં ગઇકાલે ફરીથી એકવાર ભાયા અને ભગાડ ગ્રુપ વચ્ચે માથાકુટ થતા સલાયામાં ફીલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. જો કે આ મારા મારીના લાઇવ દ્રશ્યો પણ કેમેરામાં કેદ થઇ વોટસઅપ પર ફરતા થયા હતાં. (પ-૧૪)

સલાયા પાલિકાની ચૂંટણી  પત્યા બાદ મનદુઃખ ચાલતુ'તું

 જામનગર તા. ૧૨ : દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકા ચૂંટણી પત્યા બાદ પણ આ બાબતે બે જૂથ વચ્ચે મનદુઃખ ચાલતું હોય જે મામલે આજે સલાયામાં બે જૂથ વચ્ચે સશ સ્ત્ર બઘડાટી બોલી હતી જેમાં હોકી અને લાકડીથી સામસામે તૂટી પડતા અડધો ડઝન જેટલા લોકો ઘવાયા હતા.

ખંભાલિયા તાલુકાના સલાયા ગામે પાલિકાના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે જૂનું મનદુઃખ ચાલતું હોય, પાલિકામાં ભાજપના તત્કાલીન પ્રમુખ સાલું પટેલ ઉર્ફે સલે મામદ કરીમ ભગાડ ગત માસે યોજાયેલી ચૂંટણીમાં વિજેતા બન્યા હતા મોટાભાગના સદસ્યો હારી જતા ભાયા પરિવારની આગેવાની હેઠળ કોંગ્રેસ તરફ અબ્દુલ્લા ભાયાની પેનલ વિજેતા બની હતી જે બાબતે બંને જૂથ વચ્ચે મનદુઃખ અને તકરાર ચાલતી હોય કોઈ દિવસ આ તકરાર ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેશે તેવી દહેશત સાચી બની હતી. આજે ભાયા જૂથના એક યુવાન મોટરસાયકલ પર સલાયા નગરગેટ પાસેથી જતો હોય ત્યારે તેને બોલાચાલી થવા પામી હતી અને બાદમાં બે જૂથ હોકી અને લાકડી જેવા હથિયારો લઈને સામસામે આવી ગયા હતા અને રીતસરનું ધીંગાણું ખેલાયું હતું જેને પગલે બજારમા નાસભાગ મચી હતી અને જૂથ અથડામણમાં કુલ છ લોકો ઘવાયા હતા જેને સ્થાનિક હોસ્પિટલ લવાયા બાદ ભાયા ગ્રુપના બે યુવાનોને ગંભીર ઈજાઓ સાથે જામનગર ખસેડવામાં આવ્યા હતા ધીંગાનાને પગલે જિલ્લા પોલીસવડા રોહન આનંદ દોડી આવ્યા હતા અને તંગ પરિસ્થિતિને પગલે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો તો જૂથ અથડામણની ઘટનામાં નિવેદન નોંધી ફરિયાદ માટેની તજવીજ આદરી છે.(૨૧.૨૨)

(1:08 pm IST)