સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th February 2020

સતામણી કરનાર કમલ એકતા સ્કુલના સંચાલકની અટકાયત

વિદ્યાર્થીનીની સતામણી કરનાર સંચાલક સામે રોષ : અન્ય વિદ્યાર્થીનીઓએ સંકુલ છોડયુ : આક્રોશિત લોકોએ સ્કૂલ અને બસના કાચ તોડ્યા : સતામણીને લઈ પ્રત્યાઘાત

અમદાવાદ,તા. ૧૨ : સુરેન્દ્રનગરના ચોટીલાના થાનગઢ રોડ પર સ્થિત કમલ એકતા વિદ્યાલયના માલિક અને સંચાલકે એક વિદ્યાર્થીનીની  જાતીય સતામણી કર્યા બાદ સંચાલક ફરાર થઈ ગયો હતો. જો કે, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સંચાલક બટુક ભટ્ટીની ધરપકડ કરી લીધી હતી. બીજીબાજુ, ગઈકાલે સાંજે સ્કૂલ સંકુલમાં બનાવ સામે આવતા ઉશ્કેરાયેલા વાલીઓ અને સ્થાનિક લોકોના ટોળાએ તોડફોડ કરી હતી. તો, નેશનલ હાઇવે અને થાનગઢ રોડ ઉપર લોકોએ ચક્કાજામ કરીને ટાયરો સળગાવ્યા હતા. જેને પગલે સફાળી જાગેલી પોલીસે સ્કૂલ સંચાલક સામે પોસ્કો, એટ્રોસીટી સહિતની કલમ ઉમેરી ફરીયાદ નોંધી હતી અને આરોપી સંચાલકને ઝડપી લીધો હતો. આ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા હતા, જેમાં સ્કૂલની અન્ય વિદ્યાર્થીનીઓ પણ તેમના વાલીઓ સાથે હોસ્ટેલ છોડીને બિસ્ત્રા પોટલા બાંધીને ઘરે જતી રહી હતી.

          આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ચોટીલાના થાનગઢ રોડ પર એકતા કમલ વિદ્યાલયમાં હોસ્ટેલ અને સ્કૂલ ચાલે છે. જેમાં સંચાલકે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી બાળાઓ સાથે માનસિક અને શારીરિક શોષણ કરાતું હોવાની ફરિયાદ વાલીઓ સુધી પહોંચતાં મોટી સંખ્યામાં વાલીઓ દોડી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. જેને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જતાં તે સમયે સંચાલક સહિતના લોકો સ્કૂલ છોડી નાસી છૂટ્યા હતા. વિદ્યાર્થીનીઓે અને લોકોએ પોતાનો રોષ સ્કૂલ સંકૂલ પર ઉતાર્યો હતો અને તોડફોડ કરી હતી. વિદ્યાર્થીનીઓ પણ સ્કૂલ અને હોસ્ટેલના સંચાલક બટુક ભટ્ટીની હેવાનિયત સામે ખુલીને સામે આવી હતી. હોસ્ટેલ રહી સ્કૂલમાં ભણતી કેટલીક બાળાઓ સાથે છેલ્લા ઘણા સમયથી સંચાલકની વર્તૂણંકની પોલીસ અધિકારીઓ સમક્ષ જે રજૂઆતો કરી હતી.

           તેમાં બટુક ભટ્ટીની માનસિક હેવાનિયત બહાર આવી હતી. જેનો ભોગ બનેલી એક સગીરાએ તેના હાથમાં બ્લેડથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાની આપવીતી અનુસાર પોલીસે આરોપી બટુક ભટ્ટી વિરૂધ્ધ એટ્રોસિટી એક્ટ અને પોસ્કો સહિતની કલમે ગુનો નોંધ્યો હતો. સ્કૂલ અને હોસ્ટેલના સંચાલક સામે મામલો સામે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને તેના પર ફિટકાર વરસાવ્યો હતો. અનુસૂચિત જાતિની સગીરા ભોગ બનતા મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો પોલીસ મથકે ઘસી ગયા હતા અને આરોપીને તાત્કાલિક પકડી જાહેરમાં સજા કરવાની માંગ કરી હતી. અનુસૂચિત જાતિ અને અન્ય સમાજના લોકોએ નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કરી ટાયરો સળગાવતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ સંચાલકના ઘરને પણ નિશાન બનાવી તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે.

(8:46 pm IST)