સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th February 2019

જ્યોતિર્લિંગની સાથે સાથે

મહાઆરતી, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

અમદાવાદ,તા. ૧૨ :     વિશ્વભરમાં સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ રત્નાકર સાગર તટ પર બિરાજમાન સૌથી પ્રથમ જયોતિર્લિંગ છે. ભારતના શિવ આસ્થાના કેન્દ્ર સમાન ૧૨ જયોતિર્લિંગ શિવાલયોના ટ્રસ્ટીઓ, પૂજારીઓ, તીર્થપુરોહિતો અને વિકાસ કાર્યો સાથે સંકળાયેલા શ્રધ્ધાળુઓ અને દાતાઓનો સમારોહ ગત વર્ષે ઉજ્જૈન મહાકાલેશ્વરમાં યોજવામાં આવ્યો હતો. આ વર્ષે દ્વાદશ જયોતિર્લિંગનો ભવ્યાતિભવ્ય અને ઐતિહાસિક સમારોહ તા.૨૩,૨૪ અને ૨૫ ફેબ્રુઆરી દરમ્યાન સોમનાથ પ્રભાસપાટણ ખાતે યોજાશે. જ્યોર્તિલિંગ સમારોહની સાથે સાથે નીચે મુજબ છે.

 

મહાઆરતી, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના અનેકવિધ કાર્યક્રમો

         દરમ્યાન સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડા, એકઝીકયુટીવ ઓફિસર દિલીપ ચાવડા સહિતના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ દ્વિતીય દ્વાદશ જયોતિર્લિંગ સમારોહની ઉજવણી દરમ્યાન સોમનાથ મહાદેવની મહાઆરતી, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના અનેક આકર્ષક અને રસપ્રદ કાર્યક્રમો રંગ જમાવશે. જેમાં તા.૨૩મી ફેબ્રુઆરીએ રાત્રે જાણીતા ગુજરાતી કલાકાર શ્યામલ-સૌમિલનો કાર્યક્રમ, તા.૨૪મી ફેબ્રુઆરીએ સુપ્રસિધ્ધ ગાયિકા અનુરાધા પૌંડવાલ, કિર્તી સહાય અને મેઘા ભોંસલે દ્વારા શિવજીના ભજનનો સુંદર કાર્યક્રમ, આ પ્રસંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગુજરાતના મુખ્ય મંદિરોનો વીડિયો પ્રસારણ, શ્રી સોમનાથ મહાદેવના ફોટોનું અદ્ભુત પ્રદર્શન, હિરણ, કપિલા, સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમ ઘાટ ખાતે ભવ્ય મહાઆરતી, સોમનાથના ઇતિહાસ તેમ જ વિકાસયાત્રાની ફિલ્મનું નિદર્શન સહિતના અનેક કાર્યક્રમો શ્રધ્ધાળુ-ભાવિકભકતોને પ્રભાવિત કરશે.

સોમનાથ મહાદેવની ટપાલ ટિકિટ પણ ટૂંક સમયમાં પ્રસિધ્ધ થશે

         સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરીએ જણાવ્યું હતું કે, દ્વિતીય દ્વાદશ જયોતિર્લિંગ સમારોહના ઉજવણી પ્રસંગે ટપાલ માટેનું સોમનાથ જયોતિર્લિંગનું ફર્સ્ટ ડે કવરનું પણ વિમોચન કરવામાં આવશે. ટૂંક સમયમાં પોસ્ટ વિભાગ દ્વારા સોમનાથ જયોતિર્લિંગની ટપાલ ટિકિટ પણ પ્રસિધ્ધ કરવામાં આવશે. આ મહોત્સવ દરમ્યાન સંસ્કૃતના ઉત્થાન અને પ્રચાર માટે યોગદાન આપનાર વિદ્વાન-પંડિતોને ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ સુવર્ણ ચંદ્રક અને રૂ.એક લાખનો પુરસ્કાર અપાશે.  તો, શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓને ટ્રસ્ટ દ્વારા શિષ્યવૃતિ પણ આપવામાં આવશે.

(8:28 pm IST)