સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th February 2019

ટંકારામાં સશસ્ત્ર હુમલામાં ઘાયલ થયેલા વૃધ્ધ સુલેમાનભાઇનું મોતઃ બનાવ હત્યામાં પલ્ટાયો

કુલ ૬ને ઇજા થતાં સામ-સામી ફરિયાદ નોંધાઇ હતીઃ જુના મનદુઃખને લીધે ડખ્ખો થયો હતોઃ આજે ૭૫ વર્ષના વૃધ્ધે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડતાં પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧૨: ટંકારામાં બે મહિના પહેલા મુસ્લિમ તરૂણને એક મુસ્લિમ યુવાને કારણ વગર મારકુટ કરી હોઇ તે બાબતે ચાલતાં મનદુઃખને કારણે ગત તા.૪ના સાંજે ફરીથી તલવાર-ધારીયા-પાઇપથી હુમલો કરવામાં આવતાં  છ લોકોને ઇજા થતાં ટંકારા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સામા જુથે પણ વળતી ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ સારવાર લઇ રહેલા પૈકીના ૭૫ વર્ષના વૃધ્ધનું આજે મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે.

ઘાયલ થયેલા લોકોમાં ટંકારામાં રહેતાં ઇબ્રાહીમભાઇ ઇસાભાઇ અબાણી (ઉ.૬૦), તેમના મામા સુલેમાનભાઇ મુસાભાઇ સમા (ઉ.૭૫), હનીફ મોહમ્મદભાઇ અબાણી (ઉ.૩૮), હાસમ ઇબ્રાહીમભાઇ અબાણી (ઉ.૨૫), મહદભાઇ મુસાભાઇ અબાણી (ઉ.૬૫) તથા ગફાર ઇબ્રાહીમભાઇ અબાણી (ઉ.૨૮)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. 

જે તે દિવસે ઇબ્રાહીમભાઇએ જણાવ્યું હતું કે બે મહિના પહેલા હાસમભાઇના દિકરા સોહિલ (ઉ.૧૪)ને હનીફ અલાણાએ કારણ વગર મારકુટ કરી લીધી હતી. ત્યારથી તેની સાથે મનદુઃખ હતું. તા.૪ના દિવસે મારી દિકરીની સગાઇ હતી ત્યારે હનીફ ધોકો લઇને આટા ફેરા કરતો હતો. આ બાબતે તેને સમજાવવા માટે બધા ભેગા થતાં અચાનક જ હનીફ અલાણા, સલિમ, અલ્તાફ ગફારભાઇ સહિતના સાતેક શખ્સોએ તલવાર-પાઇપ-ધારીયાથી હુમલો કર્યો હતો.

સામા પક્ષે પણ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. દરમિયાન સારવાર હેઠળ રહેલા સુલેમાનભાઇનું આજે મોત થતાં બનાવ ખૂનમાં પરિણમતા ટંકારા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી. (૧૪.૧૦)

 

(3:54 pm IST)