સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th February 2019

શહેરમાં ઢોરની સમસ્યાએ હદ વટાવી

જૂનાગઢમાં બાઇક સાથે ભેંસ અથડાતા ધો. ૧ર સાયન્સના આશાસ્પદ વિપ્ર વિદ્યાર્થીનું મોત

પેટ અને માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ મૃત્યુ

જૂનાગઢ તા. ૧ર :.. જૂનાગઢમાં સાંજે બાઇક સાથે ભેંસ અથડાતા ધો. ૧ર સાયન્સના આશાસ્પદ વિપ્ર વિદ્યાર્થીનું મોત નિપજતાં ગમગીની સાથે અરેરાટી વ્યાપી ગઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢમાં ખાધ્રોળ રોડ વિસ્તારમાં આવેલ હિમાવન સોસાયટીમાં રહેતો જતીન કિશોરભાઇ મહેતા (ઉ.૧૭) નામનો રાજગોર બ્રાહ્મણ તરૂણ ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો હતો.

આ વિદ્યાર્થી ગઇકાલે સાંજનાં સમયે  મોતીબાગ વિસ્તારમાં આવેલ કલાસીસમાં ટયુશનમાં મોટર સાયકલ પર જઇ રહ્યો  હતો.

ત્યારે લાલબાગ પાસે અચાનક ધસી આવેલી એક ભેંસ બાઇક આડે આવીને જતીનનાં બાઇક સાથે અથડાઇ હતી.

જેમાં જતીન ફંગોળાય ગયો હતો અને ભેંસનું શીંગડુ જતીનનાં પેટમાં ઘુસી ગયુ હતું આમ પેટના તેમજ માથાનાં ભાગે ગંભીર ઇજા થતા આ તરૂણ લોહીલોહાણ થઇ ગયો હતો.

આ બનાવનાં પગલે આસપાસનાં દોડી આવેલા લોકો તાત્કાલીક જતીનને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ફરજ પરનાં તબીબ ડો. કરમુરે જતીનને મૃત જાહેર કર્યો હતો.

મૃતક સગીરનાં પિતા હયાત નથી. પરંતુ જતીનનાં અકાળે મોતથી તેની માતા રીટાબેન અને મોત બહેન વંદના ઉપર આભ તુટી પડયુ છે. આ અંગે સી. ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. શહેરમાં ઢોરની સમસ્યા જીવલેણ નીવડતા લોકોમાં રોષ પ્રવર્તે છે.

દરમ્યાનમાં આજે સવારે જતીનની સ્મશાન યાત્રા તેનાં નિવાસ સ્થાનેથી નીકળી હતી. જેમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિજનો, સગા-સ્નેહીઓ વગેરેએ જોડાઇને જતીનને શ્રધ્ધાંજલી આપી હતી.

દેવગામ નિવાસી સ્વ. કિશોરભાઇ કાનજીભાઇ મહેતાનાં પુત્ર જતીન (ઉ.૧૭) ને રાજેશભાઇ અને સંજયભાઇનાં ભત્રીજાનું તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૧૪ ને ગુરૂવારનાં રોજ સાંજે ૪ થી ૬ કલાકે શુભેશ્વર મહાદેવ મંદિર, ખલીલપુર રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે. (પ-ર૧)

(11:26 am IST)