સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th February 2019

વિડીયો : કચ્છમાં યુવકને થાંભલા સાથે બાંધીને એક શખ્સ ઢોરમાર મારતો હોવાનો અને અત્યંત ખરાબ ગાળો બોલતો વિડીયો સોશ્યલ મીડીયામાં થયો વાયરલ

ભૂજ, તા. ૧૧ :. પૂર્વ કચ્છનો વાગડ વિસ્તાર આમ તો ગુન્હેગારી મુદ્દે હંમેશા ચર્ચામાં હોય છે. ગેરકાયદેસર હથિયાર હોય કે પછી કાયદાના ડર વગર મારામારી જેવી ઘટનાને અંજામ આપવો હોય ત્યારે વાગડ પંથક સતત ચર્ચામાં રહે છે, ત્યારે કચ્છમાં એક શખ્સ યુવકને થાંભલા સાથે બાંધીને ઢોરમાર મારી રહ્યો હોય તેવો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે.

આ વિડીયોમાં રાપરની ટીપીકલ ભાષામાં સંવાદો અને અપશબ્દો સાંભળવા મળે છે. આ પહેલા સામે આવેલા એક વિડીયોમાં નિર્જન જગ્યા ઉપર યુવક અને યુવતીને ઝડપી લે છે, ત્યારે યુવતી તેનો બચાવ પક્ષ રજુ કરે છે પરંતુ તે વિડીયો બાદ આજે વાયરલ થયેલા વિડીયોમાં શરૃ થાય છે તાલીબાની સજા, યુવકને એક લાકડીધારી શખ્સ ધોરડા વડે થાંભલા સાથે બાંધે છે અને ત્યારબાદ તેની વિવિધ પ્રશ્નો સાથે પૂછપરછ કરી માર મારી રહ્યો છે. જો કે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે, યુવકને માર મારતા અર્ધ બેભાન અવસ્થામાં આવી છે છતા પણ માર મારનાર શખ્સ લાકડીઓના ફટકા મારવાનું ચાલુ રાખે છે.

અગાઉ આવી જ રીતે રાપરના રાજકીય આગેવાનના ભાઈનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં તે એક કુખ્યાત હત્યાના આરોપીને માર મારતો નજરે પડતો હતો.

આ વિડીયો વાયરલ થયા બાદ હવે પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરે છે ? તે અંગે ભારે ચર્ચા જાગી છે.

(5:21 pm IST)