સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th February 2019

બાલગુરૂ અને વિદ્યા સહાયકોને ન્યાય આપવાની માંગ સાથે જુનાગઢમાં ધરણા

જુનાગઢઃ તસ્વીરમાં ધરણા કરતા કર્મચારીઓ નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ) (૪.૯)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૧૧: જિલ્લા પ્રાથમીક શિક્ષક સંઘ દ્વારા ૧૯૯૭થી ભરતી થયેલા પ્રાથમીક શાળાના વિદ્યા સહાયકોની સળંગ નોકરી ગણવી. સાથે સાથે ઉચ્ચતર પ્રાથમીક શિક્ષકોને ૪ર૦૦ ગ્રેડ પે અને એચ.ટાટ. શિક્ષકોના આર.આર. નક્કી કરવા અને શિક્ષણકાર્ય ઉપરાંત ૬૦ જેટલી અન્ય વધારાની કામગીરી આપવામાં આવે છે. જેવા પ્રશ્નને લઇને તા.૧૧ ફેબ્રુઆરીએ જિલ્લા કક્ષાએ ધરણા કરવામાં આવશે.

તા.૧૧ થી ૧૬ ફેબ્રુઆરી દરેક શિક્ષક કાળી પટ્ટી ધારણ કરી આંદોલન ચલાવશે. સ્થાનીક ધારાસભ્ય તેમજ સંસદ સભ્યને આવેદન પત્ર પાઠવશે. આ દિવસોમાં ૧પ અને ૧૬ ફેબ્રુઆરી તેમ - ર (બે) દિવસ ગાંધીનગર ખાતે ધરણા યોજી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે તેવુ ગુજરાત રાજય પ્રાથમીક શિક્ષક સંઘ દ્વારા જાહેર કરવામાં આવેલ છે.

પ્રાથમીક શિક્ષક સંઘના જણાવ્યા પ્રમાણે ૧૯૯૭ થી ફિકસ પગારી શિક્ષકોની સળંગ સિનીયોરીટી ગણવા બાબતે વારંવાર લેખીત રજુઆતો કરવામાં આવી છે. સરકારે ૧૬-૬-ર૦૦૬ના ઠરાવની નીતીથી ફિકસ કર્મચારીઓને ૧૮-૧-૧૭ના ઠરાવથી સળંગ સિનીયોરીટીનો લાભ આપવાનું જણાવ્યું હતું.

આ નિર્ણયથી ૧૯૯૭ થી ભરતી આજ દિન સુધી પ્રાથમીક શિક્ષકોની જે ભરતી થયેલ છે તેને લાભથી વંચીત રાખવામાં આવેલ છે. આ બાબતે છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગમાં રજુઆત કરવા ઉપરાંત  આંદોલન ચલાવી રહયા છે. ત્યારે ફરી એક વાર ધરણા અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.(૪.૯)

(3:48 pm IST)