સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

જેતપુરમાં ગઠિયો કળા કરી ગ્યોઃ વેપારીની નજર ચૂકવી બેંકમાંથી ઉપાડેલા ર લાખ રૂપિયાનો થેલો લઇ નાસી છૂટયો

જેતપુર તા. ૧૨: શહેરની એક પ્રતિષ્ઠિત પેઢીના માલીકે બેંકનાં પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડવા મોકલેલ પ્રતિનિધિ રૂપિયા ર લાખનો થેલો ડેકીમાં મુકે તે પહેલાં જ તેનું ધ્યાન ચૂકવી ગઠિયો થેલો લઇ નાસી છૂટયો.

જાણવા મળતી વિગતો અનુસાર શહેરની એક પ્રતિષ્ઠિત પેઢીના માલીકે ગઇકાલે કણકિયા પ્લોટ ખાતે આવેલ યુનિયન બેંકમાંથી રૂપિયા ર લાખ ઉપાડવા માટે તેના પ્રતિનિધિને મોકલેલ તે વ્યકિત રૂપિયા લઇ બેંકની બહાર આવી રૂપિયા ભરેલો થેલો બાઇકની ડેકીમાં મુકવા જતા પાછળથી કોઇ અજાણ્યા શખ્સે તેની પીઠ પાછળ હાથ અડાડતા ત્યાં એકદમ ખંજવાળ આવતા તે વ્યકિત ખંજવાળવા લાગેલ દરમ્યાન તેનું ધ્યાન ચૂકવી ગઠિયો રૂ. ૨ લાખ ભરેલો થેલો લઇ નાસી છૂટેલ. થોડીવાર બાદ થેલો ગુમ થયો હોવાનું માલુમ પડતા રાડારોડ કરતા લોકો એકઠા થઇ ગયેલ. પેઢીના માલીક સાથે ટેલીફોનિક ચર્ચા કરતાં તેમણે બનાવ બન્યો છે તે અંગે મેં પોલીસમાં લેખિત ફરિયાદ આપેલ છે તેમ જણાવેલ અને પોલીસે પ્રાથમિક તપાસ પણ કરી હોવાનું જાણવા મળેલ.

આ બાબતે પોલીસ દફતરે કોઇ ફરિયાદ દાખલ થયેલ નથી આ અગાઉ પણ આવો જ બનાવ અહિ બનવા પામેલ હોય તેવું વિસ્તારના લોકોમાં ચર્ચાય રહ્યું હતું. બનાવની નોંધ પોલીસ દફતરે થયા બાદ તે શખ્સને ઝડપી લે જેથી આવા બનાવો ફરી બનવા ન પામે તેવું ચર્ચાય રહયું છે.

(3:37 pm IST)