સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

માળીયા હાટીનામાં પ્રજાસતાક પર્વ રંગેચંગે ઉજવવા તૈયારી

જુનાગઢ જિલ્લાકક્ષાના પ્રજાસતાક પર્વની રંગેચંગે ઉજવણીઃ જુનાગઢ કૃષિ યુનિ.ના સરદાર સ્મૃતિ કેન્દ્ર એવોર્ડ અપાશે

જૂનાગઢ તા.૧૧ જૂનાગઢ જિલ્લાકક્ષાની પ્રજાસતાક પર્વની ઉજવણી ચાલુ વર્ષે માળીયા હાટીના ખાતે કરવામાં આવશે. જૂનાગઢ કલેકટર શ્રી સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને આ ઉજવણી માટેની મીટીંગ મળી હતી. જેમાં ધ્વજવંદન અને વિવિધ કચેરી દ્વારા ફલોટ તૈયાર કરવામાં આવે ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ અંગેની તૈયારી કરવા સુચના આપવામાં આવી હતી. પ્રાંત અધિકારી શ્રી, મેંદરડા સુશ્રી જે.સી. દલાલે આ અંગે કરવામાં આવેલ આયોજન અંગેની માહિતી આપી હતી.           

   રાષ્ટ્રીય વૃધ્ધ  પેન્શન યોજનાના લાભાર્થીઓ જોગ

જૂનાગઢ :- જૂનાગઢ મામલતદાર કચેરી (શહેર)  ખાતેથી ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના તથા નીરાધાર વૃધ્ધોને અને અપંગોને આર્થિક સહાય યોજનાનો લાભ લેતા જૂનાગઢ શહેરી વિસ્તારના લાભાર્થીઓએ પોતે હૈયાત છે તે બદલની સહી કરવાની રહેશે.જે લાભાર્થીઓ હયાતીના પુરાવા રજુ કરવામાં નિષ્ફળ જશે તેમની સહાય તેઓ હયાત નથી તેમ માનીને બંધ કરવામાં આવશે તેમ મામલતદાર જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.

સરદાર સ્મૃતિ કેન્દ્ર એવોર્ડ

જૂનાગઢઃ- સરદાર વલ્લભભાઇ પટેલના જન્મ શતાબ્દિ વર્ષ (૧૯૭૫)ની યાદીમાં શરૂ કરવામાં આવેલ સરદાર સ્મૃતિ કેન્દ્રો પૈકીના જૂનાગઢ કેન્દ્રએ ૧૯૯૯-૨૦૦૦ના વર્ષને રજત જયંતી વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતુ. આ પ્રસંગની યાદગીરી માટે અને કેન્દ્રની પ્રવૃતિઓનો વ્યાપ વધે  અને બહોળા પ્રમાણમાં ખેડૂતો લાભ લે તે માટે સરદાર સ્મૃતિ કેન્દ્ર જૂનાગઢ રજત જયંતી એવોર્ડ શરૂ કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૮-૧૯માં શાકભાજી પાકોમાં રોગ જીવાત નિયંત્રણ વિષય પર આ એવોર્ડ આપવાનું નકકી કરવામાં આવેલ છે.આ એવોર્ડ માટે ખેડૂતે નજીક સ્વૈચ્છીક સંસ્થાની ભલામણ સાથે  તા.૩૦-૬-૨૦૧૯ સુધીમાં અરજી કરવાની રહેશે. વધું માહિતી માટે મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી (માહિતી) સરદાર સ્મૃતિ કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિ. જૂનાગઢનો સંપર્ક કરવા અને ફોર્મ www.jau.in  ઉપરથી ડાઉનલોડ થઇ શકશે.      

પ્રાણી કલ્યાણ પખવાડીયું

જૂનાગઢઃ- દર વર્ષની જેમ ૧૪ જાન્યુઆરીના દિવસથી ગાંધી  દિન શહિદ દિન ૩૦ જાન્યુઆરી સુધીનું પખવાડીયું  ભારતમાં એનીમલ વેલ્ફર બોર્ડની પ્રેરણાથી પ્રાણી કલ્યાણ પખવાડીયા તરીકે ઉજવવામાં આવે છે. ખડીયા પશુ પંખી પ્રાણી કલ્યાણ મંડળ દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમ ઉજવવામાં આવશે તેમ  સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી આર.જી. અપારનાથીએ જણાવ્યું હતું.(૨૨.૩)

 

(12:10 pm IST)