સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

જામનગરના ખાનગી હોસ્પિટલના કર્મચારી કોૈશિક વાળંદનો લેણદારની ધમકીથી ત્રાસી મેટોડામાં આપઘાત

ગેઇટ નં. ૨ પાસે ઝેર પીધા બાદ મેટોડામાં જ આવેલી પિત્રાઇ ભાઇની દૂકાને પહોંચ્યોઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો પણ દમ તોડી દીધોઃ વાળંદ પરિવારમાં શોકઃ વ્યાજે નાણા આપનારા કોણ? તેનાથી પરિવારજનો અજાણ

રાજકોટ તા. ૧૨: જામનગરમાં જ્ઞાનગંગા સ્કૂલવાળી શેરીમાં રહેતાં અને ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં નોકરી કરતાં વાળંદ યુવાન કોૈશિક ભીખુભાઇ લખતરીયા (ઉ.૨૮)એ સાંજે મેટોડામાં આવી ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. વ્યાજે નાણા આપનારા લેણદારોની ધમકીથી આ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

કોૈશિક ગઇકાલે સાંજે મેટોડા આવ્યો હતો અને ગેઇટ નં. ૨ પાસે ઝેર પી ગયા બાદ ત્યાં જ આવેલી તેના પિત્રાઇ ભાઇ મુકેશભાઇ મનસુખભાઇ લખતરીયાની દૂકાને પહોંચતા મુકેશભાઇને તે દવા પી ગયાની ખબર પડતાં તેના સગાભાઇ કમલેશભાઇ ભીખુભાઇ મેટોડામાં જ રહેતાં હોઇ તેને બોલાવી કોૈશિકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ મોડી રાત્રે મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ લોધીકા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર કોૈશિક બે ભાઇ અને એક બહેનમાં નાનો તથા કુંવારો હતો. તે માતા મંજુબેન અને પિતા ભીખુભાઇ સાથે જામનગરમાં રહેતો અને હતો ક્રિષ્ના હોસ્પિટલમાં નોકરી કરતો હતો. તેણે કોઇ પાસેથી વ્યાજે નાણા લીધા હોઇ વ્યાજની ઉઘરાણી માટે ધમકી મળતી હોવાથી પગલું ભર્યાનું જણાવાતાં લોધીકા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. કોૈશિકે કેટલા રૂપિયા કોની પાસેથી વ્યાજે લીધા? તે અંગે પરિવારજનો અજાણ છે. (૧૪.૫)

(11:53 am IST)