સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

માળીયાના મોટા દહીંસરામાં ભૂકંપના ૫ આંચકા

બપોર આંચકા બાદ લોકો બહાર નીકળી ગયા : તંત્ર પાસે સત્તાવાર નોંધ નહીં

મોરબી તા. ૧૨ : માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામમાં શુક્રવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ભૂકંપને પગલે ગ્રામજનોમાં ભય વ્યાપી ગયો હતો જોકે સરકારી વિભાગમાં આ અંગે કોઈ નોંધ ના હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

માળિયાના મોટા દહીંસરા ગામે બપોરે ૨ ને ૧૦ ના સુમારે ભૂકંપના આંચકા ગ્રામજનોએ અનુભવ્યા હતા અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર એક બાદ એક પાંચ જેટલા ભૂકંપના આંચકા આવ્યા હતા અને ભૂકંપને પગલે ગ્રામજનો ઘરની બહાર દોડાદોડી કરવા લાગ્યા હતા અને ભૂકંપના આંચકા ખરેખર આવ્યા છે કે નહિ તે અંગે ડીઝાસ્ટર વિભાગના અધિકારી મહેશભાઇ કુવારીયાનો સંપર્ક કરતા તેમને ભૂકંપના આંચકા નોંધાયા ના હોવાનું જણાવ્યું હતું તો અગાઉ પણ ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા હોય અને ઘરની બહાર દોડી ગયાના કિસ્સા નોંધાયા છે ત્યારે પણ સરકારી તંત્રના ચોપડે ભૂકંપની નોંધ ના હતી ત્યારે ભૂકંપની તીવ્રતા માપવાના મશીનમાં ખરેખર ગરબડ છે કે પછી આજે મોટા દહીંસરા ગામમાં ભૂકંપના આંચકા આવ્યા જ ના હતા અને ગ્રામજનોને ભ્રમ થયો હતો તે કહેવું મુશ્કેલ છે.(૨૧.૪)

 

(9:59 am IST)