સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th January 2018

જામનગરમાં વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરને ગ્રાન્ટ ન ફાળવતા સતાધારી ભાજપનાં નેતાઓને સદબુધ્ધિ માટે હવન

જામનગર : જામનગરમાં કોંગ્રેસ દ્વારા નવતર કાર્યક્રમ આપીને સતાધારી ભાજપના નેતાઓની સદબુધ્ધિ માટે કોર્પોરેશનમાં હવન કર્યો હતો. કોર્પોરેશનમાં સતાધારી ભાજપનાં ૩૮, કોંગ્રેસના ૨૪ અને અન્ય ૨ કોર્પોરેટર હોઇ, તેમા  વિપક્ષના કોર્પોરેટરને ગ્રાન્ટ આપવામાં આવતી નથી. વિપક્ષી કોર્પોરેટર દ્વારા આજે જામનગર મહાનગરપાલિકાના ખડી સમિતિના ચેરમેનને વિપક્ષી કોર્પોરેટર દ્વારા આવેદન પાઠવ્યું હતું. જેમા જણાવ્યું છે કે સતાધારી પક્ષ એકબીજાને ખો આપે છે. મહાનગરપાલિકાના તમામ ચૂંટાયેલા કોર્પોરેટરને લોકોના કામ કરવા માટે સરકારે નકકી કરેલી ગ્રાન્ટ ફાળવવી ફરજીયાત છે જનરલ બોર્ડનો પણ ઠરાવ થયેલ છે તેથી હેતુફેર ના થઇ શકે છતાય હેતુ ફેર કરી ગ્રાન્ટ અન્ય જગ્યાએ વાપરી નાખી છે. શાસક પક્ષની ભાજપની અણ આવડતના લીધે જામનગર મહાનગરપાલિકા ઉપર સતત દેવું વધતું જાય છે છતાં લોક ઉપયોગી ન હ હોય તેવા કામોમાં ઢગલાબંધ રૂપિયા વહીવટ કરી વાપરીને પાલિકાની તિજોરી તળિયા ઝાટક કરી શાસક પક્ષે નાદારી ભરી સ્થિતિ કરી છે.

વિપક્ષના કોર્પોરેટરોની ગ્રાન્ટ આપવાને બદલે અપેક્ષાનું ફીંડલુ વાળી વિપક્ષના કોર્પોરેટરોની ગ્રાન્ટ ના નાણા બીજે વાપરી નાખ્યા છે. જેની સામે જામનગરની જનતા વતી સખતમાં સખત વિરોધ નોંધાવ્યો છે વિપક્ષી કોર્પોરેટરો આટલેથી ન અટકતા કોર્પોરેશનમાં જ હવન કરીને શાસક પક્ષના નેતાઓની સદબુધ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

(8:12 pm IST)