સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th January 2018

તળાજામાં દેશી ચાંચીયાઓનું કારસ્તાનઃ ચાલુ જહાજે ચોરી કરનારા ૩ ઝડપાયા

ભાવનગર, તા.,૧રઃ અલંગ મરીન પો.સ.ઇ. સી.જી.જોષી પાસેથી મળતી વિગતો અનુસાર ગત તા.૭ ના રોજ અગ્રણી શીપ બ્રેકર પાર્થ રમેશભાઇ મેંદપરાએ ખરીદેલ શીપ ઓસીયન-૧ ને મધ દરીયેથી ટગ દ્વારા ખેંચીને બીચ કરવા માટે લાવવામાં આવી રહયું હતું.

સરતાનપર (બંદર)ના કિનારાના સામેના મધદરીયેથી જહાજ આવતુ જોઇ સ્થાનીક દેશી ચાંચીયાઓએ પોતાની એન્જીનવાળી હોડી તૈયાર કરી જહાજની લગોલગ ચલાલવી દેશી ચાંચીયાઓ કેપ્ટન સીડીથી ચાલુ જહાજે જીવના જોખમે ચઢી ગયા હતા.

જે હાથ લાગ્યું તે જહાજની વસ્તુઓ ચોરી કરી હોડીમાના ઇસમને આપતા જતા હતા આ તસ્કરીની ફરીયાદ અલંગ પોલીસને મળતા તેમણે દેશી ચાંચીયાઓ વિશે માહીતી મેળવતા સરતાનપર (બંદર)ના વલ્લભભાઇ લાખાભાઇ ચૌહાણ, ચંદુ ડાયા  ચૌહાણ અને મયુર ઓઘડ ચૌહાણને ર૬પ૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

(11:57 am IST)