સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th January 2018

ધોરાજી વોર્ડ નં. ૨ ના રોડ રસ્તા-પાણીના પ્રશ્નો ઉકેલવા ડે. કલેકટરને આવેદન

ધોરાજી વોર્ડ નં. ૨ ના વિકાસના કામો તાત્કાલીક કરવા માટે એકતા મંચ દ્વારા ડે. કલેકટરને આવેદન પાઠવવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર

ધોરાજી, તા. ૧૧ :. ધોરાજીના પછાત ગણાતા વોર્ડ નં. ૨ના દલીત મુસ્લિમ એકતા મંચ દ્વારા રોડ રસ્તા-પાણી વિગેરે પ્રશ્નો સાથે ધોરાજી નગરપાલિકાના વહીવટદાર અ્ને પ્રાંત અધિકારીને સંબોધી આવેદનપત્ર પાઠવેલ હતુ અને શું ધોરાજીનો પછાત ગણાતો વોર્ડ નં. ૨ ગુજરાતમાં કે ભારત દેશમાં આવતો ન હોયત એવું વર્તન ધોરાજી નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે તેમ આવેદનપત્રમાં જણાવેલ હતું.

ધોરાજી વોર્ડ નં. ૨ ના દલિત મુસ્લિમ એકતા મંચના સંયોજકો અરવિંદભાઈ બગડા, જયેશભાઈ ચૌધરી, રાજુભાઈ બગડા, અશોકભાઈ સોંદરવા, મનહરભાઈ ભાસ્કર, અનિલભાઈ સોંદરવા, જેન્તીભાઈ વિંજુડા, જેઠાભાઈ રાઠોડ, સંજયભાઈ ચૌધરી, હરીભાઈ દવે તેમજ મુસ્લિમ સમાજમાંથી હનીફમીયાબાપુ સૈયદ, વાહીદભાઈ ચૌહાણ, ઈમરાન નવીવાલા વિગેરે દલીત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ધોરાજી નગરપાલિકાના વહીવટદારો ડે. કલેકટરને આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે, ધોરાજીના બધા જ સુવર્ણ વિસ્તારના વિકાસ કામો થાય છે, પરંતુ વોર્ડ નં. ૨ હરીજન, મુસ્લિમ પછાત વિસ્તારોના કામોમાં ભેદભાવ રાખવામાં આવે છે. અમુક વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન ૬ ઈંચની નાખવામાં આવેલ છે તો અમુક વિસ્તારમાં ૩ ઈંચની પાઈપ લાઈન નાખી પછાત વિસ્તારોમાં કિન્નાખોરી રાખેલ છે.

તેમજ વોર્ડ નં. ૨ માં જૂના પૌરાણિક મંદિર આવેલ છે. જેનુ નવીનીકરણ જીર્ણોદ્ધાર પણ કરવામાં આવતો નથી ! વોર્ડ નં. ૨ માં ભુગર્ભગટરના જોડાણોના કામો પુરા થયેલ નથી.. રોડ રસ્તાના કામો થયા નથી. ધોરાજી નગરપાલિકા પછાત વિસ્તારો પ્રત્યે ઓરમાયુ વર્તન દાખવે છે.

અંતમાં વોર્ડ નં. ૨ દલિત લઘુમતી વિસ્તારમાં ધોરાજી નગરપાલિકા દ્વારા તાત્કાલીક કામો શરૂ કરવામાં નહી આવે તો નાછુટકે ગાંધી ચિંધ્યા માર્ગે ડે. કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલન ઉપર ઉતરવાની ફરજ પડશે જેની ગંભીર નોંધ લેવા જણાવેલ હતું.

(11:49 am IST)