સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th January 2018

આ સન્માન મારૂ નહિ, પ્રજાજનોનું છે ગારીયાધારમાં ધારાસભ્યને ફુલોથી વધાવાયા

ગારીયાધાર, તા. ૧૧ :. વિધાનસભા ભાજપના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીનો શહેર-તાલુકા ભાજપા સંગઠન દ્વારા સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં તમામ જ્ઞાતિના આગેવાનો દ્વારા ધારાસભ્યનું શિલ્ડ, ફ્રુટ અને શાલ પહેરાવીને સન્માન કરવામાં આવ્યુ હતું.

ગારીયાધાર શહેર-તાલુકા ભાજપા દ્વારા યોજાયેલ સન્માન સમારંભમાં મુખ્ય મહેમાન જીલ્લા ભાજપા પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા પોતાની હાસ્યછટામાં વકતવ્ય આપ્યુ હતુ. તેમણે ગારીયાધાર તાલુકાએ દરેક ચૂંટણીમાં હંમેશા સાથે રહ્યા છે. જ્યારે શહેર હંમેશા આગળ નિકળ્યા છીએ. કોંગ્રેસનું રાજકારણ વર્ગવિગ્રહ કક્ષાનું રાજકારણ ગણાવ્યુ હતુ. સમારંભમાં ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી પણ આક્રમક મુડમાં પોતાનુ પ્રવચન રજુ કર્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે આ સન્માન નાકરાણીનુ નહી પરંતુ ૬ ટર્મથી વિજયી બનાવનારી પ્રજાનું છે. હું સન્માન કરૂ છું તેઓએ તમામ નાગરીકોનો આભાર વ્યકત કરી તેમણે જણાવ્યુ હતુ કે ૧૯૯૫થી ૨૦૧૭ સુધીમાં પહેલી વખત કોંગ્રેસ મત ગણતરીમાં આગળ નિકળ્યુ હતુ જેનુ પરિણામ સમજી સમગ્ર શહેરને માથે લીધુ હતું. કોંગ્રેસે પોતાના સંસ્કાર જાહેરમાં રજુ કર્યા છે. તેમણે જીજ્ઞેશ મેવાણી, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને રાહુલ ગાંધીના કારણે જ ભાજપનો વિજય થયો છે તેમ જણાવ્યુ હતું.

તેમના વકતવ્ય બાદ તમામ જ્ઞાતિના આગેવાનો, સામાજીક સંસ્થાઓ દ્વારા તેમનુ સન્માન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ભાજપા પ્રચારક ભરતભાઈ મોણપરા, મોહનભાઈ ભંડેરી, તાલુકા ભાજપા પ્રમુખ વિ.ડી. સોરઠીયા, શહેર પ્રમુખ રાજુભાઈ જીવરાજાણી, યુવા પ્રમુખ નિલેષભાઈ રાઠોડ, ન.પા. ઉપપ્રમુખ રમેશભાઈ વાઝા, વસંતભાઈ ગોયાણી, જયેશભાઈ નાકરાણી, મનિષભાઈ કળીવાળા સહિતના કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજર રહી કાર્યક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

(11:42 am IST)