સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા દ્વારકાધીશ ભગવાનને આવેદન

ખેડૂત એકતા મંચ આયોજીત સોમનાથથી શરૂ થયેલી યાત્રાનુ સમાપન

તસ્વીરમાં દ્વારકાધીશ મંદિર બહાર ખેડુત એકતા મંચના હોદ્દેદારો, ખેડૂતો નજરે પડે છે. (તસ્વીર- વિનુભાઇ સામાણી-દ્વારકા)

દ્વારકા તા.૧૧: ચોમાસામા અતિવૃષ્ટિ તથા કમોસમી વરસાદના કારણે ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે ખેડુતોના પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે ખેડુત એકતા મંચ દ્વારા સોમનાથથી દ્વારકા સુધીની યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતું.આજે આ યાત્રાનુ દ્વારકામા સમાપન થયુ હતુ. અને હોદેદારો, કાર્યકરોએ ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા દ્વારકાધીશ ભગવાનને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

ખેડૂતોના વિવિધ પ્રશ્નો ઉકેલવાની માગણી સાથે ખેડુત એકતા મંચ દ્વારા સોમનાથથી પ્રારંભ થયેલી બાઇક રેલી આજે સવારે ૧૦-૩૦ કલાકે જોધા માણેક ચોકથી દ્વારકાધીશ મંદિરજઇ દ્વારકાધીશ ભગવાનને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

ખેડૂત એકતા મંચના સાગરભાઇ રબારીની આગેવાની હેઠળ સોમનાથથી યાત્રાનો  પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગામે ગામ સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રાની પૂર્ણાહુતિ આજે દ્વારકામાં દ્વારકાધીશ ભગવાનને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.યાત્રાની મુખ્ય માગણીઓમાં ગુજરાત સરકાર ખેતી નીતિ બનાવે, ખેતી પંચ બનાવે, ખેતી આધારિત ઉદ્યોગોમાં સંસ્થાઓને વીમો લેવાની મરજીયાત કરે અને સહકારી સંસ્થાઓને વીમો લેવાની પરવાનગી આપવા, સરકારી સહાય આપવામાં વિલંબ ટાળે, બધો જ રેકોર્ડ સરકાર પાસે છે તાકીદે ચુકવણી કરે, ખેડૂતોનું તમામ દેવ માફ કરવુ, પાક વીમાના પાછલા તમામ નાણા ચુકવી દેવા, આડકતરી સબસીડી નહી એકર દીઠ રોકડા આપવાની વ્યવસ્થા ગોઠવવા સહિતનો સમાવેશ થાય છે.

(3:53 pm IST)