સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

હવે દીપડાને રેડીયો કોલર લગાવવા તજવીજ

અમરેલી તા. ૧૧ :.. જંગલ ખાતા દ્વારા સિંહનું લોકેશન જાણવા માટે રેડીયો કોલર સીસ્ટમ લગાવવામાં આવી છે. તેવી જ રીતે ધારી, વિસાવદર, બગસરા પંથકમાં પ૦ થી વધુ દિપડાઓ વસવાટ કરી રહ્યા હોય તેનું લોકેશન જાણવા માટે જંગલ ખાતા દ્વારા એક દરખાસ્ત તૈયાર કરી અને કેન્દ્ર સરકારની મંજૂરી માટે મોકલી આપવામાં આવશે. મંજૂરી મળી ગયા બાદ અ દિપડાઓનાં ગળામાં રેડીયો કોલર સીસ્ટમ લગાવવામાં આવશે તેમ જંગલ ખાતાનાં સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ બગસરા પંથકમાં છેલ્લા ચાર દિવસથી દિપડીએ હાહાકાર મચાવી ચારથી વધુ લોકો ઉપર હુમલો કર્યો હતો. અ દિપડીનું લોકેશન પકડાતું ન હોય. જંગલ ખાતાનાં અધિકારીઓના પગે પાણી ઉતરી ગયા હતાં. આવી ઘટનાઓ અવાર નવાર બનતી હોવાની બહાર આવી છે. ત્યારે દિપડાઓનું લોકેશન જાણવા માટે જંગલ ખાતા દ્વારા અગાઉ ગીરનાં સિંહોનાં ગળામાં રેડીયો કોલર સીસ્ટમ લગાવવામાં  આવી છે. તેના દ્વારા આ સિંહોનું લોકેશન જાણી શકાય છે. ત્યારે ધારી, બગસરા, વિસાવદર પંથકમાં ૬૦ થી વધુ દિપડા - દિપડીઓ વસવાટ કરી રહી છે. અને આ જંગલી પ્રાણીઓ દ્વારા અવાર નવાર માનવ તેમજ પશુઓ ઉપર હુમલા કરવાનાં બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આ દિપડા - દિપડીનું લોકેશન જાણવુ ખુબ જ કઠીન થઇ પડે છે. અને જંગલ ખાતાને આ જંગલી પ્રાણીઓનું લોકેશન મળી રહે તે માટે રેડીયો કોલર સીસ્ટમ ફીટ કરવા માટે કેન્દ્રનાં જંગલ ખાતાની મંજુરી મેળવવા માટે ચક્રો ગતિમાન કરી દેવામાં આવી રહ્યા  છે. મંજૂરી મળ્યા બાદ આ તમામ દિપડા - દિપડીઓનાં  ગળામાં રેડીયો કોલર સીસ્ટમ ફીટ કરવામાં આવશે તેમ જંગલ ખાતાના સુત્રોએ જણાવ્યું હતું.

(1:18 pm IST)