સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

ભાવનગરના વાળુકડ ગામે પત્નિની હત્યા કરવા અંગે પકડાયેલ પતિને આજીવન કેંદની સજા ફટકારતી કોર્ટ

આરોપી પતિએ રસોઇ બનાવવા જેવી નજીવી બાબતે પત્નિની હત્યા કરી હતી

 ભાવનગર તા.૧૧: એકાદ વર્ષ પૂર્વે ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના વાળુકડ ગામ પતિ-પત્નિના ઝઘડાના કારણે ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્નિને રસોઇ સારી નથી બનાવી તેવા નજીવા કારણએ પત્નિને માથાના ભાગે ધોકો મારતા પત્નિનું મોત નિપજતા આ બનાવ હત્યામાં પરિણમયો હતો. આ અંગેનો કેસ ભાવનગરા ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી સામેનો હત્યાનો કેસ સાબિત માની આરોપીને આજીવન કેદની સજા અને રોકડા રૂ.પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

આ કામના ફરીયાદી દિનેશભાઇ કાળુભાઇ નાયક ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે હિમતભાઇ ધીરૂભાઇ ધામેલીયાની વાડીમાં ભાગીયુ રાખીને ખેત મજુરી કામ કરે છે. ફરીયાદીને ગંગાબેન નામની એક બહેન હતી તેના લગ્ન ૧૫ વર્ષ પૂર્વે તેજગઢ ગામ તા.જી.છોટાઉદપુર ગામે રહેતા અમીચંદ્રભાઇ દેવસીંગભાઇ નાયક સાથે કર્યા હતા. તેમના સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. ફરીયાદીના બહેન અને બનેવી પણ વાળુકડ ગામે દુલાભાઇ રાઠોડની વાડીમાં ભાગીયુ રાખી ખેત મંજુરી કામ કરે છે. ગત તા.૧૭-૧૨-૧૮ ના રોજ રાત્રે ૮ વાગ્યાના સુમારે ફરીયાદી તથા તેમના કાકાના દિકરા અને તેમના પત્નિ વાળુકડ ગામે ભુપતભાઇની વાડીએ હાજર હતા તે વેળાએ ફરીયાદી ગંગાબેનની દિકરી નિશા ફરીયાદીના ઘરે આવેલ અને કહેલ કે મારી મમ્મીને મારો પપ્પો મારીને નાસી ગયેલ છે. આ વાત જાણી અમો (ફરીયાદી) ઘટના સ્થળે ગયા હતા. જયાં તેમની બહેન ગંગાબેહન ઢાળીયામાં લોહીલુહાણ હાલતે નીચે પડેલ હતી. જોયુ તો તેનું મોત નિપજયુ હતુ. આ બનાવ અંગે પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં દિનેશભાઇ નાયકે ફરીયાદ નોંધાવતા પોલીસે ઉકત આરોપી અમીચંદ દેશીંગ નાયકની સામે ઇપીકો કલમ ૩૦૨ સહિતનો ગુનો નોંધીયો હતો.

આ બનાવનું મુળ કારણ એ હતુ કે ફરીયાદી દિનેશભાઇની બહેન ગંગાબેન સાથે તેમનો બનેવી અમીચંદ અવાર નવાર ઝઘડો કરી માથાકુટ કરતો હતો જેથી કંટાળી રીસાઇને ફરીયાદીની બહેન વાડીએથી ગામમાં ફરીયાદીના ઘરે આવી હતી ત્યારબાદ સાંજના સુમારે તેમનો બનેવી અમીચંદ તેમની બહેનને લઇ ગયો હતો અને રસોઇ બનાવવા બાબતે પતિ-પત્નિ વચ્ચે લડાઇ ઝઘડો, માથાકુટ અને બોલાચાલી થતા ઉશ્કેરાયેલા પતિ અમિચંદ દેવશી નાયકે તેમના પત્નિ ગંગાબહેનને માથાના ભાગે લાકડાનો ધોકો મારી દેતા ગંગાબેનને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવની ગત તા.૧૮-૧૨-૧૮ના રોજ પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં ઇપીકો કલમ ૩૦૨ મુજબનો ગુનો નોંધાયો હતો.

આ અંગે કેસ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની દલીલો, મૌખીક પુરાવા-૧૧, લેખીત પુરાવા-૨૭ વિગેરે ધ્યાને લઇ આરોપી અમીચંદભાઇ દેશીંગભાઇ નાયક સામે ઇપીકો કલમ ૩૦૨ મુજબનો શિક્ષા પાત્ર ગુનો સાબીત માની, આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રોકડા રૂ.પાંચ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ ૩૦ દિવનની સજા અદાલતે ફટકારી હતી

(11:58 am IST)