સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

વાંકવડના કોળી વૃધ્ધ છગનભાઇ વ્યાજમાં ફસાયાઃ દોઢેક કરોડની જમીન હડપ કરવા પ્રયાસઃ બે સામે ગુનો નોંધાયો

કુવાડવા પોલીસે માલધારી સોસાયટીના જગા રાતડીયા અને અમરગઢના નિર્મળ હુંબલ સામે મનીલેન્ડ, ઠગાઇ સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૧: વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કુવાડવાના વાંકવડમાં રહેતાં કોળી વૃધ્ધે પોતાના સગા પાસેથી ત્રણ લાખ ઉછીના લીધા હતાં. તેમને પરત આપવા રાજકોટના ભરવાડ શખ્સ પાસેથી પાંચ લાખ વ્યાજે લીધા હતાં. આ રકમ આપતી વખતે ભરવાડ શખ્સે વૃધ્ધની દોઢેક કરોડની જમીનના કાગળો સિકયુરીટી પેટે માંગ્યા હતાં. બાદમાં આ શખ્સે આ જમીનનો દસ્તાવેજ અમરગઢ ભીચરીના આહિર શખ્સના નામે કરી નાંખી છેતરપીંડી કરતાં અને વૃધ્ધના દિકરાને જમીનનો બે એકરનો દસ્તાવેજ કરી આપવા કહી બળજબરી કરી મારી નાંખવાની ધમકી આપી કિંમતી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ થઇ છે.

કુવાડવા પોલીસે આ અંગે વાંકવડ રહેતાં છગનભાઇ મોહનભાઇ થોરીયા (કોળી) (ઉ.વ.૬૨)ની ફરિયાદ પરથી માલધારી સોસાયટીના જગા વિભાભાઇ રાતડીયા અને અમરગઢ ભીચરીના નિર્મળ દેસાભાઇ હુંબલ સામે આઇપીસી ૩૮૪, ૫૦૬ (૨), ૪૦૬, ૪૨૦, ૧૧૪, મનીલેન્ડ એકટ ૫,૪૦,૪૨ મુજબ ગુનો નોંધ્યો છે.

છગનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે તેણે પોતાના સંબંધી રવજીભાઇ પાસેથી ૩ લાખ રૂપિયા ઉછીના લીધા હતાં. આ પૈસા રવજીભાઇને પરત આપવાના હોઇ જેથી જગાભાઇ રાતડીયા સાથે સંપર્ક થતાં તેની પાસેથી રૂ. ૫ લાખ ૫ ટકા વ્યાજથી લીધા હતાં. તેનું વ્યાજ ભરવાનું પણ ચાલુ કર્યુ હતું. એ પછી છગનભાઇને જગા રાતડીયાએ વિશ્વાસમાં લઇ જમીનના કાગળો સિકયુરીટી પેટે માંગ્યા હતાં. જેથી છગનભાઇએ તેને પોતાની જમીનના કાગળો આપ્યા હતાં.

ત્યારબાદ જગા રાતડીયાએ અમરગઢના નિર્મળ હુંબલ સાથે મળી કોળી વૃધ્ધ છગનભાઇની જમીન વાંકવડ રે.સ.નં. ૩/૨ પૈકી ૩ની હે.આ.ચો.મી. ૦-૮૨-૯૬, રે.સ.નં. ૩ પૈકી ૨ની જમીન હે.આ.ચો.મી. ૧-૩-૨૪ મળી કુલ જમીન હે.આ.ચો.મી. ૨-૭૬-૨૦ની જમીનનો દસ્તાવેજ નિર્મળ હુંબલના નામે કરાવી લીધો હતો અને કોળી વૃધ્ધ સાથે છેતરપીંડી કરી હતી.

એ પછી આ વૃધ્ધના દિકરા જગા રાતડીયા પાસે પોતાની જમીન આ રીતે બારોબાર દસ્તાવેજ થઇ ગયો હોઇ તેની વાત કરવા જતાં જગાએ તેને બળજબરીથી બે એકર જમીનનો દસ્તાવેજ કરી આપવાનું કહી ધમકી આપી હતી. કોળી વૃધ્ધને વ્યાજના ચક્કરમાં ફાસવી તેની દોઢેક કરોડની જમીન પાંચ લાખમાં હડપ કરી જવાનો બંનેએ કારસો રચ્યો હતો. પી.આઇ. એમ. આર. પરમાર, હિતેષભાઇગઢવી સહિતની ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)