સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th November 2020

પાંચીયાવદરના આશાવર્કરનો ભોગ લેતો કોરોના : મોરબી -૧૫, ભાવનગરમાં વધુ ૮ કેસ

રાજકોટ,તા. ૧૧: કોરોનાએ ગોંડલ પંથકના પાંચીયાવદરના એક આશાવર્કરનો ભોગ લઇ લીધો છે તો ધોરાજી હોસ્પિટલમાં એક કોરોનાગ્રસ્ત મહિલાને તબીબોએ જીવનદાન આપ્યું છે. બીજી તરફ મોરબી -૧૫ અને ભાવનગર જીલ્લામાં વધુ ૮ કેસ નોંધાવા પામ્યા છે.

ગોંડલ

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ : તાલુકાના પાંચીયાવદર ગામના આશા વર્કર જાગૃતિબેન મહેશભાઇ ઠાકરને કોરોના પોઝીટીવ આવતા તેઓને સીવીલ હોસ્પિટલ રાજકોટ ખાતે દાખલ કરતા તા. ૯/૧૧ ના રાત્રીના ૧૨ કલાકે સીવીલ હોસ્પિટલમાં ેતેનું અવસાન થતા સારા સરળ સ્વભાવના અને લોકોનું કામ કરતા અને પાંચીયાવદર ગામના લોકોમાં વસેલા એવા આશાવર્કર જાગૃતિબેન ઠાકરનું અવસાન થતા સમગ્ર પાંચીયાવદર ગામે ઉંડા દુઃખની લાગણી અનુભવેલ છે.

ધોરાજી તેલી હોસ્પિટલમાં ડોકટરોએ કોરોના પોઝીટીવ મહિલાને નવુ જીવતદાન આપ્યું

ધોરાજીઃતેલી હોસ્પિટલ ખાતે ઉપલેટા થી ગરીબ પરિવારની મહિલા રિયાનાબેન મકવાણા ઉંમર વર્ષ ૪૫ ને કોરોના પોઝિટિવ આવતા બેભાન અવસ્થામાં ખાતે લાવેલ આ સમયે ડોકટરો એ પણ જોતા ખૂબ જ ગંભીર તબિયત જોઈને તેઓ પણ થોડીવાર માટે તો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા પરંતુ ધોરાજી તેલી હોસ્પિટલના તબીબોએ મહેનત કરી હતી અને કોરોનાને મહાત આપી રિયાનાબેન મકવાણા ને ચાલતા કરી દીધા હતા જે અંગે રિયાનાબેન મકવાણા એ જણાવેલ કે પતિ રાજનભાઈ મકવાણા મજૂરી કામ કરે છે અને મને ૧૫ દિવસ પહેલા  તેલી હોસ્પિટલ ખાતે લાવેલ આ સમયે ડોકટર સાવન ઘેટીયા એમ ડી. ડો ધ્રુમિલ કણસાગરા એમ ડી. ડો સંકેત પોકિયા .ડો દર્શક ગોપાણી. ડો પ્રવીણ ચૌધરી. ડો મયુર ચકલાસીયા .ડો વિકાસ ઇટાલીયા વિગેરેએ મને નવું જીવતદાન આપ્યું છે અને હું હોસ્પિટલમાં થી ચાલતી બહાર નીકળી છું.

આ સમયે ધોરાજી તેલી હોસ્પિટલના ટ્રસ્ટી આઝમભાઈ તુંમ્બી એ જણાવેલ કે ડો. સાવન દ્યેટીયા ડો.ધ્રુમિલ કણસાગરા ડો સંકેત પોકિયા ડો.દર્શક ગોપાણી ડો. પ્રવીણ ચૌધરી ડો મયુર ચકલાસિયા ડો વિકાસ ઇટાલીયા વિગેરે ડોકટરોએ ધોરાજી તેલી હોસ્પિટલમાં કોરોના વિભાગ ની અંદર તમામ દર્દીઓને પોતાના પરિવારજનોની જેમ જ સાચવીને કોરોના મહાત કરીને તંદુરસ્ત રીતે બહાર કાઢે છે જેથી  ટીમને અભિનંદન પાઠવીએ છીએ કારણ કે ઘણા કોરોના પોઝિટિવ દર્દીઓ ને નવુ જીવતદાન આપ્યું છે.

મોરબી, વાંકાનેર અને હળવદમાં વધુ ૧૦ દર્દી ડીસ્ચાર્જ

મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં કોરોનાના નવા ૧૫ કેસ નોંધાયા છે જયારે વધુ ૧૦ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુકયા છે

મોરબી જીલ્લાના નવા કેસોંમાં મોરબી તાલુકાના ૧૨ કેસો ગ્રામ્ય પંથકમાં, વાંકાનેરનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં તેમજ હળવદના ૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૧૫ નવા કેસો નોંધાયા છે અને વધુ ૧૦ દર્દીઓ ડીસ્ચાર્જ કરાયા છે નવા કેસો સાથે જીલ્લાનો કુલ આંક ૨૩૫૧ થયો છે જેમાં ૧૪૫ એકટીવ કેસ છે જયારે ૨૦૭૪ દર્દીઓ અત્યાર સુધીમાં સ્વસ્થ થયા છે.

ભાવનગરમાં ૪૯ દર્દીઓ સારવારમાં

ભાવનગરઃ જિલ્લામા વધુ ૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૯૦૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૬ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૭ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૯ તેમજ તાલુકાઓના ૩ એમ કુલ ૧૨ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૯૦૫ કેસ પૈકી હાલ ૪૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૭૮૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:20 am IST)